હિમાચલ પ્રદેશમાં ચોમાસાના આગમન સાથે જ લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ તેની સાથે જ મુશ્કેલીઓમાં પણ મોટો વધારો થયો છે. રાજ્યના શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે. આ સિવાય રોહતાંગ, બારાલાચા અને શિંકુલા પાસમાં હળવી બરફવર્ષા અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ખેડૂતોને ડાંગર અને મકાઈની વાવણીમાં મોટી રાહત મળી છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૫૦ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત ૪૨ ટ્રાન્સફોર્મર બગડી જવાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ચંબા જિલ્લાના ભરમોરમાં સિયૂર નાળામાં પૂર આવતાં ગ્રીમા તરફ જતો રોડ ૬૦ ફૂટ જેટલો વહી ગયો હતો, જેનાથી હોલી- સિયૂર-ગ્રીમા માર્ગ ઠપ થઈ ગયો છે. ચંબા-ભરમોર નેશનલ હાઈવે પણ ભૂસ્ખલનને કારણે આશરે ચાર કલાક સુધી બંધ રહ્યો હતો. બિલાસપુરમાં રસ્તાઓ પર માટી અને પથ્થરો આવી જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. લાહૌલ-સ્પીતિ જિલ્લામાં એચઆરટીસી (HRTC) કેલંગ ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર ઉદયપુરથી મયાડ ઘાટી રૂટ પર ગયા હતા. સવારે ઉદયપુર પરત ફરતી વખતે કંડક્ટર જ્ઞાન સિંહ એક વાવ પાસે બ્રશ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પહાડી પરથી એક મોટો પથ્થર તેમના માથા પર પડયો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બીજી તરફ શિમલાના રામપુરના નિરસુ ગામ પાસે ચોમાસાના વરસાદ વચ્ચે રસ્તા પર પડેલા લોખંડના પાતળા તારમાં કરંટ ઉતરતા એક ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. કાંગડા જિલ્લાના દેહરામાં નાની ઈલેક્ટ્રિક મોટર લગાવતી વખતે કરંટ લાગવાથી એક પ્લમ્બરે જીવ ગુમાવ્યો હતો. જ્યારે ચંબા જિલ્લાના અગાહર ગામમાં પગ લપસી જતાં ખીણમાં પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું.
આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં ચોમાસું બેઠા પછી અત્યાર સુધીમાં અલગ-અલગ અકસ્માતોમાં કુલ ૯ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં ૪ લોકોના લપસીને પડવાથી, ૧ વ્યક્તિનું ડૂબી જવાથી, ૧નું કરંટ લાગવાથી અને ૩ લોકોના અન્ય કારણોસર મોત થયા છે. આ સિવાય ૭ કાચા મકાનોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં કાંગડા અને મંડીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કુક્ષુ, શિમલા, સિરમૌર અને ઊના જિલ્લામાં ભારે વરસાદનું ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. વરસાદ અને બરફવર્ષાના કારણે દિવસના તાપમાનમાં આશરે ૬ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.
હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ




