બેડી અને આણંદપર (નવાગામ)-સોખડા ટી.પી. સ્કીમની હદમાં સુધારાને લીલીઝંડી
તરઘડીથી બાઘીગામ રોડ કનેક્ટિવિટી માટે 6.84 કરોડ મંજૂર, 2.50 કિમીનું બાકી કામ પૂર્ણ કરાશે
- Advertisement -
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા આજે ૧૮૨મી બોર્ડ બેઠક ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં રાજકોટની આસપાસના વિસ્તારોના વિકાસને વેગ આપતા અનેક મહત્વના મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં સત્તામંડળ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં. ૩૯/૧ (બેડી) અને સૂચિત કરાયેલ નગર રચના યોજના નં. ૪૦/૧ આણંદપર (નવાગામ)-સોખડાની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૧) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૪૦/૨ આણંદપર(નવાગામ)-સોખડા બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે પણ મંજૂરી અપાઈ હતી.
રૂડા વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા વધુ મજબૂત કરવાના ભાગરૂપે બેઠકમાં તરઘડી ગામ થી બાઘીગામના રોડની બાકી રહેતી આશરે ૨.૫૦ કી.મી. લંબાઈમાં અંદાજીત રૂ. ૬.૮૪ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બોર્ડ બેઠકમાં ચેરમેન તુષાર સુમેરા સાથે જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઇ પીપળીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા તેમજ રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીના પ્રતિનિધિ તરીકે આઈ.એસ.આહીર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણી, કલેક્ટરના પ્રતિનિધિ તરીકે એ.એસ.ઝાંપડા, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે આર.ડી.પરમાર તથા RMCના સીટી એન્જીનિયર કે.કે.મહેતા પણ હાજર રહ્યા હતા.




