બે વ્યક્તિઓએ સલામતી સાધનો વિના ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પર ચઢી સગાઈ કરી
અમેરિકા ન્યૂયોર્ક શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત બુધવારે બપોરે એક દંપતી ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ’ – જે ન્યૂ યોર્કની સૌથી પ્રખ્યાત અને ઊંચી ઇમારતોમાંની એક છે – કોઈપણ સુરક્ષા સાધનો વિના ટોચ પર ચઢી ગયું. ત્યાં તેઓએ એક મોટું બેનર ફરકાવ્યું, અહેવાલો દર્શાવે છે કે આ ખતરનાક સ્ટંટ દરમિયાન દંપતીએ પણ સગાઈ કરી હતી. જોકે, નીચે ઉતરતા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ન્યૂયોર્ક પોલીસ વિભાગે દંપતીની ઓળખ ૩૨ વર્ષીય ઇવાન કુઝનેત્સોવ – જે સોશિયલ મીડિયા પર ઇવાન બિર્કસ તરીકે ઓળખાય છે – અને ૩૩ વર્ષીય એન્જેલા નિકોલાઈ તરીકે કરી છે. આ દંપતી ન્યૂજર્સીના ઈસ્ટ ઓરેન્જમાં રહે છે અને સોશિયલ મીડિયા પર ગગનચુંબી ઇમારતો અને ઊંચા બાંધકામો પર સલામતી સાધનો વિના ચઢવા માટે જાણીતું છે. ગત બુધવારે બપોરે 12 વાગ્યે માસ્ક પહેરેલા આ દંપતીએ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોચ પર પહોંચ્યું. નિર્ભયતાથી અને સલામતીની સાવચેતી વિના તેઓએ સફેદ અક્ષરોમાં સંદેશ લખેલું એક મોટું કાળું બેનર લહેરાવ્યું: “જ્યારે પ્રેમની શક્તિ શક્તિના પ્રેમ પર કાબુ મેળવશે, ત્યારે દુનિયા શાંતિ જાણશે.” પોલીસના પ્રારંભિક અંદાજ મુજબ આ દંપતીએ ઇમારતના 103મા માળે સ્થિત એક નાના દરવાજાનો ઉપયોગ કર્યો હતો. આ પ્રવેશદ્વારનો ઉપયોગ સામાન્ય રીતે પાણીના ટાવરની જાળવણી માટે થાય છે. ત્યાંથી તેઓ સીધા ઇમારતની ટોચ પર પહોંચ્યા હતા.
- Advertisement -
બિલ્ડીંગની ટોચ પર બેનર ફરકાવ્યું અને ખતરનાક સ્ટંટ દરમિયાન સગાઈ કરી : પોલીસે બંનેની ધરપકડ કરી અને ગંભીર આરોપો હેઠળ કેસ નોંધ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અત્યંત ખતરનાક સ્ટંટ દરમિયાન દંપતીએ એકબીજા સાથે સગાઈ કરી હતી. જોકે, જમીન પર પગ મૂકતાની સાથે જ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા. પોલીસે તેમના પર બળજબરીથી પ્રવેશ, બીજાના જીવને જોખમમાં મૂકવા, જાહેર કે ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવા, સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરવા અને શાંતિ ખલેલ પહોંચાડવા સહિત અનેક કાનૂની જોગવાઈઓ હેઠળ આરોપ મૂક્યા છે.




