સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો ચોંકાવનારો સરવે બોર્ડની પરીક્ષા ફક્ત વિદ્યાર્થીઓ માટે પરંતુ 80% વાલીની ‘માનસિક પરીક્ષા’
77% વાલીની રાત્રે ઊંઘ ઉડી જાય છે, 66% વાલીઓ ‘સોશિયલ ઈમેજ’ના ડરથી તણાવમાં રહે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બોર્ડની પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ તેમના વાલીઓ માટે પણ ભારે માનસિક દબાણનું કારણ બની રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શન હેઠળ 1233 વાલીઓ પર કરાયેલા સર્વેમાં આ ચિંતાજનક હકીકતો સામે આવી છે. રિંકલ વિંઝુડા, બંસી ગડારા, ઉન્નતી દેસાઈ અને નેહા બેડીયા દ્વારા તૈયાર કરાયેલા મનોવૈજ્ઞાનિક પ્રશ્નાવલિના આધારે આ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વે મુજબ 54% વાલીઓએ સ્વીકાર્યું કે પરીક્ષા નજીક આવતાં તેઓમાં અકળામણ અને ચીડિયાપણું વધી જાય છે, જ્યારે 77% વાલીઓ સંતાનના અભ્યાસને લઈને રાત્રે ઊંઘ ગુમાવે છે. 80% વાલીઓએ જણાવ્યું કે દિવસભર કામ દરમ્યાન પણ સંતાનની પરીક્ષાના વિચારો સતત મનમાં ચાલતા રહે છે. ચિંતાજનક રીતે 63% વાલીઓએ માથાનો દુખાવો, એસિડિટી અને બ્લડ પ્રેશર જેવી તકલીફોમાં વધારો અનુભવ્યો હોવાનું જણાવ્યું. મનોવિજ્ઞાન મુજબ આવા લક્ષણોને ‘સાયકોસોમેટિક’ કહેવાય છે – એટલે કે માનસિક તણાવ શરીર પર રોગરૂપે દેખાવા લાગે છે. 66% વાલીઓએ સ્વીકાર્યું કે ઓછા ટકા આવે તો સમાજમાં પ્રતિષ્ઠા ખરડાશે એવો ડર થાય છે. જ્યારે પડોશીઓ કે સંબંધીઓ તૈયારી વિશે પૂછે છે ત્યારે 36% વાલીઓ દબાણ અને 40% વાલીઓ સંકોચ અનુભવે છે. માત્ર 24% વાલીઓને ગર્વ અને ઉત્સાહનો અનુભવ થાય છે. વિશ્લેષણ મુજબ, સંતાનની સિદ્ધિ કરતાં ‘સોશિયલ ઈમેજ’ને વધુ મહત્વ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ પર અદ્રશ્ય દબાણ ઊભું કરે છે. 60% વાલીઓ સંતાનની અન્ય હોશિયાર બાળકો સાથે સરખામણી કરે છે. તેઓ તેને પ્રેરણા માને છે, પરંતુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આ પ્રથા બાળકના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડે છે. 72% વાલીઓ દિવસમાં 5થી વધુ વખત વાંચવા બેસ અથવા મોબાઈલ મૂકી દે કહી ટોકે છે. 68% વાલીઓને સંતાન આરામ કરે તો અપરાધભાવ કે ગુસ્સો આવે છે. 70% વાલીઓએ સ્વીકાર્યું કે તેઓ સંતાન સાથે અભ્યાસ સિવાયની હળવી વાતચીત માટે સમય ફાળવતા નથી. 63% વાલીઓ પોતે યોગ, સંગીત કે વોકિંગ જેવી તણાવ ઘટાડતી પ્રવૃત્તિઓ કરતા નથી. પરિણામે ઘરના વાતાવરણમાં હળવાશ ગાયબ થઈ જાય છે અને વિદ્યાર્થી એકલતા અનુભવે છે.



