શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સોનેરી તક
‘ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ’ (MBA ભવન) દ્વારા શાનદાર શૈક્ષણિક પહેલ
- Advertisement -
અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક બજારની સમજ મળે તે માટે થિયરી અને પ્રેક્ટિકલ બંને કાર્યનો સમાવેશ કરાયો
આજના આર્થિક સ્પર્ધાત્મક યુગમાં પર્સનલ ફાઇનાન્સ અને રોકાણ અંગેની સાચી સમજ મેળવવી એ ખૂબ જ અનિવાર્ય બની ગયું છે, ત્યારે આ તાતી જરૂરીયાતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ (MBA ભવન) દ્વારા એક પ્રશંસનીય પહેલના ભાગરૂપે “સર્ટીફીકેટ કોર્ષ ઇન ફાઈનાન્સિયલ લીટરસી & ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ”નો વિશેષ અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિ પોતાના અંગત નાણાકીય આયોજન (Personal Financial Planning) ખૂબ જ સચોટ રીતે કરી શકે તે માટે સક્ષમ બનાવવાનો છે, જેમાં નાણાકીય વ્યવસ્થાપનને લગતા વિવિધ મહત્વના ટોપિકનો સમાવેશ કરવામાં આવેલ છે. આ અદ્યતન અભ્યાસક્રમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટી કે પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે, વાસ્તવિક માર્કેટના પ્રવાહો અને લાઈવ બજારની સાચી સમજ મળી રહે તે માટે થીયરીની સાથે-સાથે પ્રેક્ટીકલ કાર્ય પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
- Advertisement -
આ ત્રણ માસના ટૂંકા ગાળાનો સર્ટીફીકેટ કોર્ષ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે નાણાકીય સેક્ટરમાં રોજગારી અને સ્વરોજગારીની અનેક તકો ઉપલબ્ધ બનશે અને તેઓ મ્યુચલ ફંડ, શેર બજાર, ઈન્સ્યોરન્સ (વીમા ક્ષેત્ર) તેમજ બેંક જેવા મોટા આર્થિક ક્ષેત્રોમાં પોતાની એક પ્રોફેશનલ કારકિર્દી બનાવી શકશે. આ આખો અભ્યાસક્રમ માત્ર ત્રણ માસના સમયગાળામાં પૂર્ણ થાય તે રીતે ડિઝાઇન કરાયો છે અને તેની કોર્ષ ફી પણ વિદ્યાર્થીઓ અને સામાન્ય વર્ગને પરવડે તેવી માત્ર રૂ. ૫,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા) રાખવામાં આવી છે. જાહેર હિત અને યુવાનોના કૌશલ્ય વર્ધનને પ્રોત્સાહન આપતા આ રોજગારલક્ષી અભ્યાસક્રમમાં એડમીશન મેળવવા માટે રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કાર્યાલયનો રૂબરૂ અથવા વહીવટી સમય દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે.




