‘ટેસ્ટી મેગી’ કે પછી ‘ટોક્સિક મેગી’? : મેગી મસાલા અંગે લેબ પરીક્ષણમાં ચોંકાવનારા દાવા
ભારતીય ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ (FSSAI) અને યુરોપિયન યુનિયન (EU) બંનેની નિર્ધારિત મર્યાદાનો ભંગ થયો હોવાનો દાવો : નેસ્લે ઈન્ડિયા પાસે સ્પષ્ટતાની માંગ
- Advertisement -
બે મિનિટમાં તૈયાર થતી મેગીમાં ઉમેરાતો મસાલો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું પરિક્ષણમાં સાબિત થયાનું બહાર આવ્યુ
ભારતમાં કરોડો લોકોની પસંદગી ગણાતી મેગી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી શકે છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્યરત એક કાર્યકર્તા દ્વારા કરાયેલા ખાનગી લેબ પરીક્ષણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મેગી મસાલાના નમૂનાઓમાં જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ નોંધાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પરીક્ષણના પરિણામોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મેગી મસાલાના નમૂનાઓ યુરોપિયન યુનિયનના કડક જંતુનાશક ધોરણો તેમજ ભારતીય ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. પરીક્ષણમાં ખાસ કરીને કાર્બોક્સિન સલ્ફોક્સાઇડ, કાર્બેરિલ અને સિમાઝીન જેવા ત્રણ જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારિત મહત્તમ અવશેષ સ્તર (MRL) કરતાં વધુ હોવાનું જણાવાયું છે.
દાવા મુજબ, આ નમૂનાઓ યુરોપિયન સંસદ અને કાઉન્સિલના રેગ્યુલેશન (EC) નંબર 396/2005 તેમજ કાઉન્સિલ ડાયરેક્ટિવ 91/414/EEC હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા નથી. પરીક્ષણ કરનારના જણાવ્યા અનુસાર, આ તારણો ગ્રાહકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સંબંધિત ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે પરીક્ષણ કરનાર નિષ્ણાતે જણાવ્યું છે કે વિવિધ દેશોના ભૌગોલિક અને કૃષિ સંજોગોને ધ્યાનમાં લેતાં યુરોપિયન ધોરણો અને ભારતીય ધોરણોમાં તફાવત હોઈ શકે છે. જોકે, તેમની દલીલ અનુસાર બે અલગ-અલગ લેબ પરીક્ષણોમાં ભારતીય ધોરણો મુજબ પણ જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે, જે વધુ ચિંતાજનક બાબત ગણાય છે.
- Advertisement -
આ દાવાઓ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ગ્રાહકો દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને મામલાની પારદર્શક તપાસ કરવાની માંગ તેજ બની છે. પરીક્ષણ કરનાર દ્વારા નેસ્લે ઈન્ડિયાને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધી નેસ્લે ઈન્ડિયા તરફથી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો હોવાની માહિતી ઉપલબ્ધ નથી. બીજી તરફ, મામલો ગ્રાહકોના આરોગ્ય સાથે સીધો સંકળાયેલો હોવાથી ભારતીય ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ દ્વારા પણ જરૂરી તપાસ અને સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
હાલમાં આ મુદ્દો ખાનગી લેબ પરીક્ષણના દાવાઓ પર આધારિત છે. સંબંધિત સરકારી એજન્સીઓ અથવા કંપની દ્વારા સત્તાવાર તપાસ અને નિવેદન બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.




