કંપનીએ કડક વલણ અપનાવતા 1.40 લાખ જમા કરાવ્યા, બાદ ફોન બંધ કરી દીધો
રાજકોટની સીએમએસ કંપનીના મેનેજરે નોંધાવી ઉચાપતની ફરિયાદ
- Advertisement -
રાજકોટમાં એટીએમમાં કેશ લોડિંગનું કામ કરતી ખાનગી કંપનીના એક કર્મચારીએ લાખો રૂપિયાની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે એરપોર્ટ રોડ પર આવેલી સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમીટેડ કંપનીના બ્રાન્ચ મેનેજરે પોતાના જ કસ્ટોડિયન કર્મચારી જામનગરના શખ્સ વિરૂધ્ધ 3.60 લાખની ઉચાપત-વિશ્વાસઘાત અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના એરપોર્ટ રોડ સખીયાનગરમાં જયગીત સોસાયટીમાં રહેતાં અને સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતાં લક્ષ્મણપ્રસાદ મનીરામ શર્માએ મૂળ કોડીનારના હાલ જામનગર માધવવિલા સોસાયટીમાં રહેતા કાર્તિક પ્રદિપભાઇ વ્યાસ વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ કંપની વિવિધ સરકારી અને પ્રાઇવેટ બેંકોમાંથી રોકડા રૂપિયા મેળવીને શહેરના અલગ-અલગ એટીએમ મશીનોમાં કેશ લોડ કરવાનું કામ કરે છે કંપનીમાં કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા કાર્તિક વ્યાસને એટીએમ મશીનોમાં પૈસા જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગત તારીખ 8ના રોજ કાર્તિક એટીએમ લોડિંગ માટે સ્ટાફ સાથે નીકળ્યો હતો બપોરે ઓડિટ ચેક કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે બજરંગવાડી મેઈન રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ મશીનમાં કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ 20 લાખ લોડ થયેલા બતાવતા હતા. પરંતુ વાસ્તવિક ઓડિટ રિપોર્ટમાં 5 લાખની ઘટ સામે આવી હતી એટીએમમાં મોટી રકમની ઘટ જણાતા બ્રાન્ચ મેનેજર અને અન્ય સ્ટાફ દ્વારા તાત્કાલિક કસ્ટોડિયન કાર્તિક વ્યાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મશીનમાં પૈસા કેમ ઓછા નાખ્યા તે અંગે પૂછતા કાર્તિકે પહેલા ગોળ-ગોળ જવાબ આપ્યો હતો કે ભુલથી બીજા એટીએમમાં વધારે પૈસા નખાઈ ગયા હશે. પણ, કંપનીએ તાત્કાલિક તેના રૂટ પરના તમામ એટીએમ મશીનોનું ઓડિટ કરાવતા અન્ય કોઈ મશીનમાં વધારે પૈસા જમા થયા નહોતા. ત્યાર બાદ કાર્તિકે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને તે ફરાર થઈ ગયો હતો. આ પછી કંપની દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા કાર્તિક વ્યાસે ગત તારીખ 23ના રોજ 1.40 લાખ પરત જમા કરાવી દીધા હતા. પરંતુ બાકી રહેતા 3.60 લાખ ઓળવી જઈ કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હોય ફરિયાદ નોંધાવતા પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. જે. જોષીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




