ઓસ્ટ્રેલિયાનું વૈભવી જીવન છોડીને પતિ સાથે પાકિસ્તાન આવેલી 54 વર્ષીય સિલ્વી યાસ્મિના અને પાંચ બાળકો નરક સમાન કેદમાં જીવતા હતા
મોટા પુત્રની હોશિયારીથી પોલીસે ઘરમાં દરોડો પાડી તમામનો જીવ બચાવ્યો
- Advertisement -
પ્રેમ આંધળો હોય છે, પરંતુ ક્યારેક તે હસતા-રમતા જીવનને જીવતા નરકમાં ફેરવી નાખે છે તેનો જીવતો-જાગતો કિસ્સો પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે. પાકિસ્તાની પોલીસે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બારા વિસ્તારમાંથી એક ૫૪ વર્ષીય ફ્રેન્ચ મહિલા અને તેના પાંચ બાળકોને લાંબા સમયની બંધક સ્થિતિમાંથી આઝાદ કરાવ્યા છે. આ કમનસીબ મહિલાનું નામ સિલ્વી યાસ્મિના છે, જે છેલ્લા ૧૨ વર્ષથી તેના જ પાકિસ્તાની પતિના અત્યાચારોનો ભોગ બનીને ચાર દીવાલોની વચ્ચે કેદ હતી. આ ભયાનક અગ્નિપરીક્ષાનો અંત ત્યારે આવ્યો જ્યારે સિલ્વીનો મોટો દીકરો કોઈક રીતે પિતાની નજર ચૂકવીને કેદમાંથી ભાગવામાં સફળ રહ્યો અને નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યો. બાળકની આપવીતી સાંભળીને ચોંકી ગયેલી પોલીસે તુરંત તે ઘરમાં દરોડો પાડ્યો અને સિલ્વી સહિત તમામ બાળકોને મુક્ત કરાવી પાપી પતિની ધરપકડ કરી લીધી છે.
મુક્ત થયા બાદ સ્થાનિક મીડિયા સમક્ષ સિલ્વી અને તેના બાળકોના શરીર પર જોવા મળેલા ગંભીર ઈજાના નિશાનો વર્ષોથી તેમના પર થયેલા શારીરિક અને માનસિક ત્રાસની ગવાહી આપી રહ્યા છે. સિલ્વીએ રડતા અવાજે પોતાની જીવનકથા વર્ણવતા જણાવ્યું કે, તે એક સમયે ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ આરામદાયક અને સ્વતંત્ર જીવન જીવતી હતી. જ્યાં તે અભ્યાસ અને નોકરી કરતી હતી. આ દરમિયાન તેને એક પાકિસ્તાની યુવક સાથે પ્રેમ થયો અને વર્ષ ૨૦૦૩માં બંનેએ લગ્ન કરી લીધા. ૨૦૧૪ સુધી તેઓ ઓસ્ટ્રેલિયામાં જ રહ્યા અને ત્યાં તેમના બે બાળકોનો જન્મ થયો, જેઓ અન્ય સામાન્ય બાળકોની જેમ શાળાએ જતા હતા. પરંતુ વર્ષ ૨૦૦૪માં જ્યારે તેનો પતિ બધું સારું થઈ જશે તેવા વાયદાઓ સાથે તેને પાકિસ્તાન લાવ્યો, ત્યારે સિલ્વીના સપનાઓ એક ઝાટકે ચૂર-ચૂર થઈ ગયા.
પાકિસ્તાનની ધરતી પર પગ મૂકતા જ પતિનો અસલી ચહેરો સામે આવ્યો અને તેનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. સિલ્વીની તમામ સ્વતંત્રતા છીનવી લેવામાં આવી અને તેને ઘરમાં પૂરી રાખવામાં આવી. જ્યાં પતિ રોજ તેને અને બાળકોને ઢોર માર મારતો હતો. આ ૧૨ વર્ષની નરકાગાર જેવી કેદ દરમિયાન સિલ્વીએ અન્ય ત્રણ બાળકોને જન્મ આપ્યો, જેઓ ક્યારેય શાળાનું પગથિયું પણ ચઢી શક્યા નથી અને મોટા બાળકોનો અભ્યાસ પણ છૂટી ગયો. સિલ્વીએ ધ્રુજતા અવાજે કહ્યું, “મારું ભવિષ્ય તો બરબાદ થઈ ગયું. પણ હું મારા માસૂમ બાળકોનું જીવન નષ્ટ થવા દઈ શકું નહીં.” હાલમાં સિલ્વી પાકિસ્તાની પોલીસના સંરક્ષણમાં છે અને પોતાના વતન ફ્રાન્સ પરત ફરવા માટે તડપી રહી છે. પાકિસ્તાની સત્તાવાળાઓએ ઇસ્લામાબાદ સ્થિત ફ્રેન્ચ દૂતાવાસને આ અંગે સત્તાવાર જાણ કરી છે. આ ઘટનાએ પાકિસ્તાનમાં વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરી તેમને પાકિસ્તાન લાવી ગુલામ બનાવવાની વિકૃત માનસિકતાના કાળા સચ્ચાઈને ફરી એકવાર દુનિયા સામે ઉજાગર કરી છે.




