ન્યાયાધીશો સાથેના કથિત ગેરવર્તનના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ન્યાયાધીશો અને વકીલો વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ ગંભીર બનતા આજે સોમવારે શહેરની તમામ અદાલતોમાં વકીલોએ સંપૂર્ણ હડતાળ પાળી છે. બે અલગ-અલગ કોર્ટના ન્યાયાધીશો દ્વારા વકીલો સાથે કથિત ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને પગલે રાજકોટના વકીલોએ કોર્ટ કાર્યવાહીથી સંપૂર્ણ અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે શહેરની અદાલતોમાં રોજિંદી ન્યાયિક કામગીરી પર સીધી અસર પડી હતી અને અનેક કેસોની સુનાવણી તથા કાર્યવાહી સ્થગિત રહી હતી. હડતાળ દરમિયાન કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વકીલો દ્વારા ન્યાયિક વ્યવસ્થામાં પરસ્પર સન્માન અને વ્યવસાયિક શિષ્ટાચાર જળવાઈ રહે તે માટે માંગ ઉઠાવવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં દિવસભર વિરોધનું વાતાવરણ જોવા મળ્યું હતું. વકીલોના બહિષ્કારને કારણે સોમવારે શહેરની અદાલતોમાં કેસોની સુનાવણી, જામીન અરજીઓ, દસ્તાવેજી પ્રક્રિયા અને અન્ય ન્યાયિક કામગીરી પર નોંધપાત્ર અસર જોવા મળી હતી. વિવાદનો ઉકેલ ક્યારે આવશે અને આગામી દિવસોમાં હડતાળ વધુ લંબાશે કે નહીં તે અંગે હવે મંગળવારે યોજાનારી સામાન્ય સભાના નિર્ણય પર સૌની નજર મંડાઈ છે.
વિવાદના પડઘા હાઇકોર્ટ સુધી પહોંચ્યા
રાજકોટ બાર એસોસિએશનના આ આક્રમક વલણના પડઘા ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને વિવાદનો ઉકેલ લાવવા માટે ગુરુવારે સાંજે ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજ, ઇલેશ વોરા, રજિસ્ટ્રાર જનરલ સુથાર, રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શાહ તેમજ રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠક દરમિયાન જસ્ટિસ ઇલેશ વોરાએ સમગ્ર મામલાના કાયમી અને સંતોષકારક નિરાકરણ માટે વકીલોને 15 દિવસ સુધી રાહ જોવા અપીલ કરી હતી. જોકે, બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દે કોઈપણ અંતિમ નિર્ણય સામાન્ય સભાની મંજૂરી વિના લેવાઈ શકે તેમ નથી.
મંગળવારે ખાસ સામાન્ય સભા બોલાવાશે
રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ મુદ્દે મંગળવારે ખાસ સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં આગામી રણનીતિ તેમજ હડતાળ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી સોમવારની હડતાળ યથાવત્ રાખવાનો નિર્ણય એસોસિએશને જાહેર કર્યો છે.
- Advertisement -
તમામ બાર એસોસિએશનોનો ટેકો
આંદોલનને રાજકોટના વિવિધ કાનૂની મંડળો અને બાર એસોસિએશનો તરફથી વ્યાપક સમર્થન મળ્યું છે. શહેરના ક્લેમ બાર, મહિલા બાર, નોટરી બાર, રેવન્યુ બાર તેમજ કન્ઝ્યુમર બાર એસોસિએશન સહિતના તમામ મંડળોએ સત્તાવાર રીતે હડતાળ અને આંદોલનને ટેકો જાહેર કર્યો છે.




