સોમવારે જ મનપાની 15 સમિતિઓના ચેરમેનોએ હોદ્દો સંભાળ્યો હતો
PM મોદીની કરકસરની અપીલના ધજાગરા: ગેરહાજર ચેરમેનોની બંધ ચેમ્બરોમાં AC-લાઇટો ચાલુ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની બેદરકારી તેમજ ઉદાસીનતાના કિસ્સાઓ અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે. પરંતુ તાજેતરમાં જ નિમાયેલા વિવિધ સમિતિના ચેરમેનોએ તો કાર્યકાળની શરૂઆતમાં જ પોતાની જવાબદારીઓ પ્રત્યે ઘોર ઉદાસીનતા દાખવવાનું શરૂ કરી દેતા ભારે આશ્ચર્ય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત સોમવારે જ મહાનગરપાલિકાની વિવિધ ૧૫ સમિતિઓના ચેરમેનોની સત્તાવાર રીતે નિમણૂંક કરવામાં આવી હતી. આ નિમણૂંકને હજી માત્ર ચાર દિવસ જ થયા છે, ત્યાં ગુરુવારે મનપા કચેરીમાં એક આઘાતજનક ચિત્ર સામે આવ્યું છે. ૧૫ સમિતિઓમાંથી ગુરુવારે માત્ર ૩ જ સમિતિના ચેરમેન પોતાની ચેમ્બરમાં હાજર જોવા મળ્યા હતા, જ્યારે અન્ય ૧૨ સમિતિના ચેરમેનો ગેરહાજર જણાતા તંત્રની કામગીરી અને શિસ્ત સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર મામલે વધુ આઘાતજનક અને શરમજનક બાબત એ સામે આવી છે કે જે ૧૨ સમિતિના ચેરમેનો પોતાની ચેમ્બરમાં હાજર નહોતા, તેમની બંધ અને ખાલીખમ ચેમ્બરોમાં લાઈટ, પંખા અને એસી (AC) ચાલુ હાલતમાં ધમધમતા જોવા મળ્યા હતા.
- Advertisement -
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં કરકસર કરવા તેમજ ઊર્જા બચાવવા માટે વીજળીનો બગાડ અટકાવવાની વારંવાર અપીલ કરવામાં આવે છે. બીજી તરફ રાજકોટ મનપાના આ નવનિયુક્ત ચેરમેનો વડાપ્રધાનની આ કરકસરની અપીલના સરેઆમ ધજાગરા ઉડાડતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે બેફામ બગાડ થતો જોઈને મનપા કચેરીમાં મુલાકાતે આવેલા અરજદારો અને સ્ટાફમાં ભારે ગણગણાટ અને ચર્ચાનો દોર શરૂ થયો હતો.
આ સમગ્ર શિસ્તહીનતા અને વીજળીના બગાડની ઘટનાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે આ મામલે આકરા પ્રત્યાઘાતો આપતા જણાવ્યું હતું કે, જ્યારે તમામ ચેરમેનોની નિમણૂંક કરવામાં આવી હતી, ત્યારે જ મેયર અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈની હાજરીમાં એક ખાસ સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ નવનિયુક્ત ચેરમેનોને સ્પષ્ટ અને કડક સૂચના આપવામાં આવી હતી કે તેમણે પોતાની ચેમ્બરમાં વધુમાં વધુ સમય હાજર રહેવું. જેથી મનપા ખાતે પોતાના કામ અર્થે દૂર-દૂરથી આવતા ગરીબ અને સામાન્ય અરજદારોને ધક્કા ન ખાવા પડે અને મુશ્કેલી વગર ચેરમેનોની સેવાનો સીધો લાભ મળી શકે. આમ છતાં, પદ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ શિસ્તના લીરેલીરા ઉડાડીને ગેરહાજર રહેનારા અને વીજળીનો બગાડ કરનારા ચેરમેનો સામે આગામી દિવસોમાં કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.




