રાજકોટ જિલ્લાના આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો : ૩ થી ૬ વર્ષના ૩૭,૩૩૮ બાળકોને રૂ. ૯૬.૭૦ લાખના ગણવેશથી લાભાન્વિત થશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુલ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું
રાજકોટ કલેકટર કચેરી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના બાળકો માટે ગણવેશ વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
- Advertisement -

આ કાર્યક્રમનો ડિજિટલ માધ્યમથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આંગણવાડીના બાળકોનો ઉત્સાહ વધે, તેઓ યુનિફોર્મથી વંચિત ન રહે અને બાળકોમાં એકસુત્રતા જળવાઇ રહે તે માટે બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવી રહયાં છે. આંગણવાડીઓમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે, પૂરક પોષણ મળે તે માટેનું કામ થઈ રહ્યું છે. તેમણે કોરોનાનો કપરો સમય પૂર્ણ થાય અને આંગણવાડીઓ – શાળા – કોલેજો ફરી ખુલે અને તંદુરસ્ત સમાજની સાથે ગુજરાત સુપોષિત બને તેવી શુભકામના પણ આ તકે વ્યક્ત કરી હતી.

- Advertisement -
રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે બાળકો એ ભગવાનનું રૂપ છે, આવા બાળકોના ઉછેર – અભ્યાસ માટે આંગણવાડીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યુ હતું કે બાળકોનો યોગ્ય વિકાસ થાય તો જ તેમની એક અલગ ઓળખ બની શકે. આ માટે બાળકો માટે આંગણવાડીઓના માધ્યમથી મહત્વનું કાર્ય થઈ રહયું છે.
આ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લાના ૩ થી ૬ વર્ષના ૩૭,૩૩૮ બાળકોને રૂપિયા ૯૬.૭૦ લાખના ગણવેશનું વિતરણ કરવામાં આવશે. જેના પ્રતિક સ્વરૂપે કલેકટર કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ૧૦ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરોજબેન મારડીયાએ કર્યું હતું. અંતમાં આભારવિધિ અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે કરી હતી.

આ પ્રસંગે મહિલા અને બાળ યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેન સુનીતા ચાવડા, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા, પ્રાદેશિક નાયબ નિયામક અંકુર વૈધ સહિતના અધિકારી- પદાધિકારીઓ, આંગણવાડીઓની બહેનો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


