પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી બાદ સૌરાષ્ટ્રભરમાં કારતક સુદ અગિયારસના દેવ દિવાળીના પર્વની રવિવારે પરંપરાગત રીતે આતાશબાજી સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં પણ અનેક સ્થળે તુલસી વિવાહ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આસ્થાના કેન્દ્ર સમાન ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે તુલસીમાતાના વિવાહ શાલિગ્રામ વિષ્ણુ ભગવાન સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા. ભક્તિનગર સર્કલ પાસે આવેલા ગીતા મંદિરથી તુલસી વિવાહનું પરંપરાગત આયોજન કરવામાં આવ્યુ હતુ. ગીતા મંદિરમાં વિષ્ણુ ભગવાનના પૂજન અર્ચન બાદ બપોરે 4 કલાકે વાજતે ગાજતે જાન નીકળી હતી અને ધારેશ્વર મંદિરે ભગવાન શાલીગ્રામ પહોંચ્યા હતા જ્યાં ભાવિકો દ્વારા જાનના પોંખણા થયા હતા. તુલસીજી સાથે ભગવાન શાલીગ્રામના લગ્નોત્સવ બાદ ફરીને ગીતા મંદિરે જાનૈયાઓ પરત ફર્યા હતા. આમ મંડપરોપણ, ફૂલેકુ, મહાપૂજન અને ગોરણીપૂજન સહિતની વિધિ કરવામાં આવી હતી. આ ધાર્મિકોત્સવમાં મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનો જોડાયા હતા.



