એસોસિએશનની 20 પૈકી 11 માગણીઓ પ્રત્યે વહીવટી તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી
સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજયમાં જ મિનિમમ 20 હજાર કમિશનની રકમ વાજબી ભાવના દુકાનદારોને ચુકવવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓને વહેલી તકે રાશન મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત રહી છે. પ્રવર્તમાન સ્થિતિમાં રાશન કાર્ડ ધારકોની અનુકૂળતા માટે વાજબી ભાવની દુકાનના એસોસિએશનનાં તા.25-10-2025ના રોજ રજુઆતના સંદર્ભે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓનાં આવેદનપત્રની કુલ 20 માંગણીઓ પૈકી 11 જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના આપવામાં આવેલ છે. બેઠક બાદ દુકાનદારોએ હકારાત્મક અને માનવીય અભિગમ સાથે જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ માટે તૈયારી દર્શાવી હતી. જે અન્વયે આજરોજ ર નવેમ્બરના રોજ રાજકોટ જિલ્લામાં 175 જેટલા દુકાનદારો દ્વારા ચલણ જનરેટ કરી દેવામાં આવ્યું છે અને રાશન વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.



