આજી ડેમ સહિત 6 સ્થળોએ કૃત્રિમ કુંડ-પોઈન્ટ્સ પર ફાયર બ્રિગેડ દ્વારા વિસર્જન કરાયું: રેસ્ક્યુ બોટ અને લાઈફ જેકેટ સાથે ટીમ તૈનાત
રાજકોટ શહેરમાં આજે અનંત ચતુર્દશીના પાવન અવસરે ભક્તિભાવ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે લાડીલા ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. શહેરમાં વિવિધ પંડાલો અને ઘરોમાં સ્થાપિત કરાયેલી 12,000થી વધુ ગણેશ પ્રતિમાઓનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિસર્જન સંપન્ન થયું હતું.સવારથી જ ઢોલ-નગારા, તાશા અને શરણાઈના ગૂંજતા સૂર વચ્ચે અબીલ-ગુલાલની છોળો ઉડાડી શ્રદ્ધાળુઓ પરિવારજનો સાથે નિયત વિસર્જન સ્થળોએ પહોંચ્યા હતા. “ગણપતિ બાપ્પા મોરિયા”ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે આજી ડેમ પાસે આવેલી ખાણ સહિત શહેરના 6 નિર્ધારિત સ્થળોએ વિસર્જન કુંડ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે તમામ સ્થળોએ રેસ્ક્યુ બોટ, લાઈફ રિંગ, લાઈફ જેકેટ અને તરવૈયાઓની ટીમ સજ્જ રાખવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે પાણીના સ્ત્રોતથી દૂર બહારના ભાગે વિશેષ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવિકોએ પોતાના પરિવાર સાથે ત્યાં અંતિમ આરતી અને ધાર્મિક વિધિ સંપન્ન કરી બાપ્પાને વિદાય આપી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ જાતે મૂર્તિઓ સંભાળીને ઊંડા પાણીમાં વિધિવત વિસર્જિત કરી હતી.




