નિકુંજ વસોયાએ પોતાના બચાવમાં અન્ય સ્ટોલના અતિશય મોંઘા મેનૂ કાર્ડ વાયરલ કર્યા, પોતાની વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી પણ બિસ્લેરી પાણીથી ધોવાનો દાવો
રાજકોટના MGM નવરાત્રિ મહોત્સવમાં વાનગીઓના આસમાને પહોંચેલા ભાવો અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે દેશી રસોયા નિકુંજ વસોયાએ એક વીડિયો જાહેર કરીને પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઈવેન્ટમાં દરેક સ્ટોલ પર કલ્પના બહારના ઊંચા ભાવો વસૂલવામાં આવી રહ્યા હતા. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, MGMનું આખું આયોજન જ લૂંટનું કેન્દ્ર બની ગયું હતું. ભીડ એટલી હકડેઠઠ હતી કે, એક વખત અંદર ઘૂસ્યાં પછી નાસ્તો કરવા બહાર નીકળવા સાવજનું કાળજું જોઈએ. વાંકા રહીને બધાએ અંદર જ પેટપૂજા કરવી પડતી હતી અને આવી સ્થિતિમાં ઉઘાડી લૂંટ ચાલું હતું. આયોજકો હસતાં-હસતાં આ બધું જોતાં રહ્યાં અને બધાં સ્ટોલધારકોને ઉઘાડછોગે લૂંટ કરવાની જાણે પરવાનગી આપી દીધી. આ સંજોગોમાં સૌથી મોટાં પાપિયાં આયોજકો ખૂદ છે-જેણે તગડું ભાડું વસૂલીને ખેલૈયાઓના ખિસ્સાં ખંખેર્યા. નિકુંજ વસોયાએ વીડિયોમાં અન્ય સ્ટોલના મેનૂ કાર્ડ શેર કરીને મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે ગ્રાઉન્ડ પર મેગી ૨૭૦માં, પાવભાજી ₹૩૭૫માં અને કેમિકલવાળા કોલ્ડ્રિક્સ ₹૧૫૦ સુધી વેચાઈ રહ્યા હતા. વીડિયોમાં શેર કરાયેલા અન્ય સ્ટોલના મેનૂ અનુસાર ચાઈ વાલેની તડકા મેગી ₹૨૭૦, મસાલા મેગી ₹૧૮૦, અને ફ્રાઈઝ ₹૨૦૦ થી ₹૨૬૦ સુધી હતી. સીલુઝ કિચનની પાવભાજી ₹૩૭૫, ઢોસા ₹૨૭૫થી ₹૩૭૫ અને મસાલા છાશ ₹૬૦ હતી. શેફ ફેટસોના પિઝા ₹૬૯૮થી ૨૮૯૮ સુધી, હોટપોટ રાઇસ બાઉલ ₹પર૮ અને ડ્રિંક્સ ₹૨૯૮થી ₹૪૭૮ સુધી હતા. આ ઉપરાંત ડોમિનોઝમાં પિઝા ₹૬૫૦ સુધી અને સ્ટારબક્સમાં કોલ્ડ/હોટ બેવરેજીસ ₹૪૮૦ થી ₹૫૫૦ સુધી વેચાઈ રહ્યા હતા.
પોતાની વાનગીઓના ₹૩૧૦ થી ₹૪૧૦ સુધીના ભાવો અંગે સ્પષ્ટતા કરતા નિકુંજ વસોયાએ જણાવ્યું હતું કે, તેઓ નોન-કમર્શિયલ અને અત્યંત ઉચ્ચ ગુણવત્તાવાળી હેલ્ધી પ્રોડક્ટ્સ પીરસી રહ્યા હતા. દાળ ખાખરા અને શક્કરિયા ચાટ સંપૂર્ણ ઝીરો ઓઈલ, ઝીરો સુગર તેમજ હાઈ પ્રોટીન-ફાઈબર યુક્ત પદ્ધતિથી બનાવવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે વાનગીઓ રાંધવા માટે જ નહીં પરંતુ તમામ શાકભાજી ધોવા માટે પણ બિસ્લેરી મિનરલ વોટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખુલાસા બાદ હવે પ્રશ્ન માત્ર કોઈ એક સ્ટોલ પૂરતો સીમિત ન રહેતાં સમગ્ર આયોજન પર પહોંચ્યો છે. નવરાત્રિ મહોત્સવમાં સામાન્ય જનતા પાસેથી ખાદ્યપદાર્થોના નામે થતી આવી સત્તાવાર લૂંટ સામે આયોજકો કેમ ચૂપ રહ્યા અને દરેક સ્ટોલ પર નિયંત્રણ રાખવાને બદલે માત્ર નફો રળવા માટે ખુલ્લો દોર કેમ આપવામાં આવ્યો, તે મુદ્દે ખેલૈયાઓમાં ભારે ચર્ચા જાગી છે.
- Advertisement -
સ્ટોલના આકરા ભાડાં વસૂલાયા કે લાખોના નફા પર ટેક્સ ચોરી થઈ એ તપાસનો વિષય
MGM નવરાત્રિ મહોત્સવમાં સામાન્ય ખાણીપીણીની વસ્તુઓના આસમાને પહોંચેલા ભાવો પાછળ માત્ર સ્ટોલ ધારકોની નફાખોરી છે કે આયોજકો દ્વારા વસૂલાયેલા તોતિંગ ભાડાં તે હવે મોટો તપાસનો વિષય બન્યો છે. નવરાત્રિના ૯-૧૦ દિવસ માટે ફૂડ સ્ટોલ ધારકો પાસેથી આયોજકોએ લાખો રૂપિયાનું પ્રીમિયમ ભાડું વસૂલ્યું હોવાની વ્યાપક ચર્ચા છે. શું આ અતિશય મોંઘા ભાડાંની ભરપાઈ કરવા માટે જ ગ્રાહકોના માથે ₹૨૭૦ની મેગી કે ₹૩૭૫ની પાવભાજી જેવા ભાવો ઝીંકવામાં આવ્યા ? તે ઉપરાંત હજારો ખેલૈયાઓની અવરજવર વચ્ચે રોજના લાખો રૂપિયાનું ટર્નઓવર કરતા આ ફૂડ સ્ટોલ પર ગ્રાહકોને પાકા જીએસટી બિલ આપવામાં આવતા હતા કે નહીં? લાખો રૂપિયાના આ રોકડ અને ઓનલાઇન વ્યવહારો પર નિયમ મુજબ સરકારી તિજોરીમાં ટેક્સ જમા થયો છે કે પછી આયોજકો અને સ્ટોલ ધારકો વચ્ચેના આ મોટા આર્થિક વ્યવહારોમાં ટેક્સ ચોરી આચરવામાં આવી છે, તે અંગે જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે.




