બે રાજ્યમાં ભારે વરસાદનું ઍલર્ટઃ નાગરિકોને સાવચેતી રાખવા સુચના
ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય બાદ બંગાળની ખાડીમાં ફરી એકવાર શક્તિશાળી ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ ભાગમાં એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ ઝડપથી મજબૂત બનીને આગામી સોમવાર, ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ની સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પૂરી શક્યતા છે. આ સંભવિત વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે, જેના કારણે તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર પ્રખર જૈને જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થશે, જેથી ખેડૂતો અને સામાન્ય જનતાએ સાવચેતી રાખવી અને દરિયામાં ગયેલા માછીમારોએ કોઈપણ વિલંબ વિના તાત્કાલિક કિનારે પરત આવી જવું. અમરાવતી કેન્દ્ર દ્વારા ૨૭ અને ૨૮ ઓક્ટોબર માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું વિશેષ એલર્ટ આપવામાં આવ્યું છે. અલુરી સીતારામ રાજુ (ASR), કાકીનાડા, પૂર્વ ગોદાવરી, ડો.બી.આર. આંબેડકર કોનાસીમા, એલુરુ, પશ્ચિમ ગોદાવરી, એનટીઆર જિલ્લાઓ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની ચેતવણી છે.
વિશાખાપટ્ટનમ સહિત અન્ય ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે વોચ એલર્ટ. શનિવારે કોસ્ટલ આંધ્ર અને રાયલસીમામાં વીજળીના કડાકા સાથે ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ચક્રવાતી પરિભ્રમણની શરૂઆતી અસર ગુરુવારથી જ જોવા મળી હતી, જ્યાં નેલ્લોર અને પ્રકાશમ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. તિરૂપતિ જિલ્લાના થોટ્ટમ્બેડુમાં ૪૦.૨ મીમી અને નેલ્લોરના રાપુરમાં ૪૦ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નેલ્લોરમાં ૨૨ મીમી, કાવલીમાં ૧૫ મીમી અને કુડ્ડપાહમાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો.




