ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિ; 5.50 મીટરનો સાંકડો રસ્તો હવે 10 મીટરનો બનશે
રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ ગ્રામ્ય મતવિસ્તાર હેઠળ આવતા કોટડા સાંગાણી તાલુકા અને ગોંડલને જોડતા મુખ્ય એવા કોઠારીયા-કોટડા સાંગાણી રોડના ડામરકામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પડવલા, લોઠડા અને પીપલાણા જેવા વિસ્તારોમાં ઝડપથી વિકસી રહેલા ઔદ્યોગિક એકમો તથા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૮ના વિસ્તારને કારણે આ માર્ગ પર ભારે ટ્રાફિક અને સતત વાહનોની અવરજવર રહેતી હતી. અગાઉ ૫.૫૦ મીટર સાંકડા રહેલા આ રોડને ૧૦ મીટર પહોળો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ₹૨૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત મેટલિંગ અને મોરમનું કામ પૂર્ણ થયા બાદ આજે ડામરકામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ખાટરીયા, ધર્મેશભાઈ ટીલાળા, તાલુકા ભાજપ પ્રમુખ રાહુલભાઈ સાકરિયા, તાલુકા પંચાયત પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, તાલુકા મહામંત્રી યુવરાજભાઈ તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો, વિવિધ ગામોના સરપંચો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ પહોળો થવાથી વાહનચાલકો અને ઉદ્યોગકારોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે, જેને પગલે સ્થાનિક પ્રજાજનોએ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.




