બચત, લોન અને ફ્રી ડીમેટની સુવિધા મળશેઃ નાણામંત્રી નિર્મલા સીતારામનના નિર્દેશ બાદ તૈયારી
બેન્કિંગ જોડાણ વધારવા સંયુક્ત પોર્ટલ પણ બનશે
- Advertisement -
દેશની સરકારી બેન્કો દિવાળીના તહેવાર પૂર્વે દેશના યુવા વર્ગને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડવા માટે વિશેષ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. આ નવી પહેલ હેઠળ યુવાનોને ધ્યાનમાં રાખીને બચત, રોકાણ, વીમો અને સરળ લોન સાથે સંકળાયેલી વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામને સરકારી બેન્કોને યુવા પેઢી સાથે મજબૂત તાલમેલ સાધવા અને શાખાઓના નેટવર્કનો ઉપયોગ કરી તેમને આકર્ષવા આપેલા નિર્દેશો બાદ આ પગલું લેવામાં આવી રહ્યું છે.
આ યોજના અંતર્ગત તમામ સરકારી બેન્કો એક સર્વગ્રાહી સંયુક્ત પોર્ટલ પણ તૈયાર કરી રહી છે. આ પોર્ટલ પર યુવાનોને બેન્કિંગ સેવાઓની માહિતી સરળતાથી મળી રહેશે અને તેમાં ઇન્ટરેક્ટિવ ફીચર્સ પણ સામેલ કરાશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી પ્રોડક્ટ્સમાં યુવાનોને મફત ડીમેટ એકાઉન્ટ તેમજ પ્રોફેશનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે નિઃશુલ્ક કાઉન્સેલિંગ જેવી સેવાઓ આપવા પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. સરકારી બેન્કના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, દિવાળી પહેલાં આ તમામ પ્રોડક્ટ્સ બજારમાં મૂકાશે, જ્યારે સંયુક્ત પોર્ટલ નવેમ્બરના અંત સુધીમાં લાઈવ થઈ શકે છે. યુવા ગ્રાહકોને બેન્ક ખાતું ખોલાવવા પ્રેરિત કરવા માટે વિવિધ ચાર્જ માફ કરવા તેમજ અન્ય આકર્ષક પ્રોત્સાહનો આપવાનું પણ આયોજન છે. પોર્ટલ પર નજીકની બેન્ક શાખાઓ અને એટીએમ સરળતાથી શોધી શકાય તે માટે બેન્કોએ પોતાનો લોકેશન ડેટા પણ શેર કર્યો છે.




