સૂત્રધાર હત્યાના ગુનામાં 30 વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ ચાર મહિના પૂર્વે જ છૂટ્યો હતો
કાર, મોબાઇલ સહીત 6.18 લાખનો મુદામાલ કબ્જે : રાજસ્થાનના સપ્લાયરની શોધખોળ
- Advertisement -
રાજકોટ એન્ટી નાર્કોટિક વિંગ્સની ટીમે બાતમી આધારે લાખાપર પાસે વોચ ગોઠવી 57 હજારના 19 ગ્રામ એમડી ડ્રગ સાથે બોટાદ અને જંગલેશ્વરના શખ્સને ઝડપી લઇ 6.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે સૂત્રધાર હત્યાના ગુનામાં 30 વર્ષ સુધી જેલવાસ ભોગવી તાજેતરમા જ છૂટ્યો હોય અને રાજસ્થાનથી ખેપ મારીને લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રાજસ્થાનના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બસિયાની સુચના અન્વયે એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઇ બી.બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી સંયુક્ત બાતમી આધારે ભાવનગર મેઈન રોડ ઉપર લાખાપર ગામ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કાર નીકળતા જ તેને કોર્ડન કરી અટકાવી હતી. કારમાં બેઠેલ બંને શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી 19 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા બંનેના નામઠામ પૂછતાં જંગલેશ્વરના અસલમ ઈબ્રાહીમભાઈ બેલીમ અને બોટાદના સાહીલ રહેમાનભાઈ ખોખર જણાવ્યા હતાં. બંનેની પુછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો સાંચોર, રાજસ્થાનના રાજારામ નામના શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હતો. ઝડપાયેલ અસલમ સામે 1997માં ભક્તિનગર પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્રીસ વર્ષ જેલમાં રહ્યા બાદ ચારેક મહિના પહેલા જ તે જેલમાંથી છુટયો હતો ગઢડાના સાહિલે કારની અને પૈસાની ગોઠવણ કરી દેતાં તેને સાથે લઇ પોતે રાજસ્થાન ગયો હતો. જ્યાંથી બંને એમડી લઇને રાજકોટ આવવા નીકળ્યા હતાં. પણ પકડાઇ ગયા હતાં. પોલીસે કુલ 6.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.




