હિંસક પ્રદર્શન પર રૂ.21 લાખ સુધીનો દંડ અને 5 વર્ષની જેલ; 14 વર્ષથી વધુ વયના સગીર પર કેસ ચલાવવો સરળ બનશે
મિલાનમાં લૂંટફાટ અને આગચંપી બાદ પીએમ મેલોનીનો મોટો નિર્ણય; સુરક્ષા માટે 500 સૈનિકો તૈનાત કરાશે
- Advertisement -
ઇટાલીના મિલાન શહેરમાં મોંઘવારી અને જીવનનિર્વાહ ખર્ચ સામે ફાટી નીકળેલી હિંસા, લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ બાદ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સરકારે ઉપદ્રવીઓ સામે અત્યંત કડક સુરક્ષા કાયદાઓને મંજૂરી આપી છે. નવા કાયદા હેઠળ હિંસક વિરોધ પ્રદર્શનોમાં સામેલ થનારા તત્વોને ૫ વર્ષ સુધીની જેલની સજા અને અંદાજે ₹૨૧ લાખ (૨૩,૦૦૦ યુરો) સુધીનો તોતિંગ દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમો મુજબ, જો કોઈ સગીર જાહેર કે ખાનગી મિલકતોમાં તોડફોડ કરશે તો તેના નુકસાનની સંપૂર્ણ ભરપાઈ તેના માતા-પિતાએ કરવી પડશે. આ ઉપરાંત ૧૪ વર્ષથી વધુ ઉંમરના સગીરોને પોતાના કૃત્યો અને તેના પરિણામો સમજવા માટે સક્ષમ ગણી તેમની સામે સીધો કેસ ચલાવવો હવે વધુ સરળ બનશે. જો કોઈ દાવો કરે કે સગીર પોતાના કૃત્યને સમજવા સક્ષમ નહોતો, તો તેનો બોજ બચાવ પક્ષ પર રહેશે.
સરકાર ડિટેન્શન સેન્ટરોમાં ક્ષમતા વધારશે અને જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમમાં જજોની સંખ્યામાં પણ વધારો કરશે. મિલાનમાં ૧૭ અને ૧૮ ઓક્ટોબર દરમિયાન મોંઘવારી, ઓછા પગાર અને શિક્ષણ ખર્ચ સામે થયેલા પ્રદર્શનોમાં માસ્ક પહેરેલા આશરે ૨,૦૦૦ જેટલા યુવાનોએ બેકાબૂ બનીને દુકાનો લૂંટી હતી અને વાહનો તેમજ સંપત્તિઓને આગ ચાંપી હતી. આ હિંસામાં ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે અત્યાર સુધીમાં ૫૦ જેટલા લોકોની ધરપકડ કરી છે, જેમાં ૩૦થી વધુ સગીરો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવા માટે તોડફોડ કરનારા યુવાનો સામે લાલ આંખ કરતાં મેલોની સરકારે મિલાનમાં ૫૦૦ વધારાના સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. ચહેરો ઢાંકીને હિંસા કરનાર સામે સજામાં વિશેષ વધારો થશે. સંસદ ૬૦ દિવસમાં આ વટહુકમને કાયમી કાયદામાં ફેરવશે, જ્યારે બીજી તરફ દેખાવકારોએ ૩૦ ઑક્ટોબરે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.




