જળસ્રોતોમાં પૂજા સામગ્રીનો કચરો અટકાવવા રાજકોટ મનપાનો ક્રાંતિકારી પ્રયોગ
ફૂલ-હાર, શ્રીફળ, ધૂપ-દીપ અને અન્ય પવિત્ર સામગ્રી વાનમાં એકત્રિત કરી યોગ્ય રીતે નિકાલ કરાયો
- Advertisement -
ગણેશ વિસર્જન દરમિયાન દર વર્ષે જળાશયોમાં પ્રદૂષણ અને પૂજા સામગ્રીના અનાદરની સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ એક પ્રશંસનીય અને અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. મૂર્તિ વિસર્જન બાદ પૂજા સામગ્રી જળસ્રોતોમાં ન ફેંકાય તે માટે મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વિસર્જન સ્થળો પર ખાસ ‘પૂજાપા વાન’ તહેનાત કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત ગણેશ ભક્તો પાસેથી ફૂલ-હાર, શ્રીફળ, ધૂપ-દીપ અને અન્ય પવિત્ર સામગ્રી સીધી જ આ વિશેષ વાનમાં એકત્રિત કરવામાં આવી હતી. એકત્ર થયેલી આ સામગ્રીનો ધાર્મિક મર્યાદા અને સંપૂર્ણ આદર સાથે યોગ્ય રીતે નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેથી જળાશયો પણ સ્વચ્છ રહ્યા અને શ્રદ્ધાળુઓની આસ્થાને પણ ઠેસ ન પહોંચી.
પર્યાવરણની જાળવણીની સાથે ધાર્મિક લાગણીનું સન્માન જાળવતો મનપાનો આ સંવેદનશીલ અભિગમ શહેરીજનો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બન્યો છે. સમગ્ર દિવસ દરમિયાન ફાયર બ્રિગેડના ૧૫૦થી વધુ જવાનોએ સવારે ૮:૦૦ વાગ્યાથી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી સતત ૧૩ કલાક સુધી ફરજ બજાવી વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી હતી. શહેરમાં આજીડેમ ઓવરફ્લો, આજીડેમ ખાણ નં. ૧ અને ૨, મવડી-પાળ રોડ પર જખરાપીરની જગ્યા પાસે, કાલાવડ રોડ પર વાગુદળ તેમજ જામનગર રોડ પર ન્યારા ગામના પાટિયા પાસે આવેલી ખાણ ખાતે વિસર્જનની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્થળો પર નાના કદની ૬,૦૨૧ મૂર્તિઓ તથા મોટી ૮૩૫ મૂર્તિઓનું ક્રેઈનની મદદથી સુરક્ષિત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ, કુલ ૬,૮૫૬ પ્રતિમાઓનું વિસર્જન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના વગર સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.




