રાજકોટ મનપા ફૂડ વિભાગની કાર્યવાહી, તહેવારો પૂર્વે 14 સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા
47 પેઢીમાં તપાસ : ગાયના ઘીમાં વેજીટેબલ ફેટ અને પનીરમાં નિયમ મુજબ ફેટ ન મળ્યા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા અંતર્ગત કાર્યરત ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાદ્યચીજોમાં થતી ભેળસેળ ડામવા હાથ ધરાયેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લેવાયેલા સેમ્પલ પૈકી 4 નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં નિષ્ફળ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થયા છે. આ ઉપરાંત શહેરમાં 47 જેટલી પેઢીઓમાં સઘન તપાસ કરી 37 કિલો વાસી તેમજ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
ઘીમાં વેજીટેબલ ફેટ અને ટોમેટો સોસમાં સિન્થેટીક કલર પકડાયો
ફોર્ચ્યુન મિલ્ક & ફૂડ પ્રોડક્ટસ (લાતી પ્લોટ, શેરી નં. 4) : લૂઝ પનીરના નમૂનાની તપાસમાં ફેટની રિચર્ટ વેલ્યૂ નિર્ધારિત ધારાધોરણ કરતાં ઓછી આવતા સેમ્પલ ફેઇલ જાહેર કરાયું.
પેશુમલ ચેલારામ & કંપની (દાણાપીઠ, પરાબજાર કોર્નર) : ‘VASTU AGMARK GHEE’ (500 ML પેક)ના નમૂનામાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) મળી આવતા ગાયના ઘીમાં ભેળસેળ સાબિત થઈ.
જલારામ ઘી ડેપો (વિનાયક નગર, મવડી મેઇન રોડ) : ‘SHREEKANT’ કાઉસ પ્રીમિયમ ઘી (200 ML પેક)ના સેમ્પલમાં પણ વેજીટેબલ ફેટની હાજરી જણાતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો.
આર.બી. ફૂડ પ્રોડક્ટ (ઈશ્વરીયા રોડ, માધાપર) : ઉત્પાદક પેઢીના લૂઝ ટોમેટો સોસમાં પ્રતિબંધિત અથવા અનિયમિત માત્રા ધરાવતો સિન્થેટીક ફૂડ કલર (કાર્મોઝિન) મળી આવતા સેમ્પલ નિષ્ફળ ઠર્યું.
37 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો, બે એકમોને દંડ સાથે નોટિસ
ફૂડ વિભાગની ટીમે શહેરમાં કુલ 47 પેઢીઓમાં સઘન ચેકિંગ કર્યું હતું. અસ્વચ્છતા અને વાસી ખોરાક રાખવા બદલ બે રેસ્ટોરન્ટ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં શિવ પંજાબી ચાઈનીઝ (કોઠારીયા રોડ) સ્ટોરેજ તેમજ હાઈજેનિક કન્ડિશન યોગ્ય ન જણાતા નોટિસ ફટકારાઈ હતી અને સ્થળ પરથી 5 કિલો પડતર ટોફુ તથા વાસી મન્ચુરીયનનો નાશ કરી રૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલાયો. તેમજ વર્ણીરાજ રેસ્ટોરન્ટ (કાલાવડ રોડ)માં અસ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપી, સ્થળ પર સંગ્રહાયેલ 32 કિલો વાસી પ્રિપેર્ડ ખાદ્યચીજોનો જથ્થો કચરાપેટી ભેગો કરી રૂ. 1,000 વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો.
- Advertisement -
તહેવારો પૂર્વે MDM કિચન અને ડેરીઓમાંથી 14 સેમ્પલ લેવાયા
પારસ એગ્રો એજન્સી (MDM કિચન, શાસ્ત્રી મેદાન) : મધ્યાહ્ન ભોજન રસોડામાંથી નમકીન દલીયા, વેજ મિક્સ સબ્જી, સુખડી, રવાનો શીરો, રાઈ, ગોળ, સીંગતેલ અને મગ ફાડા મળી કુલ 8 ખાદ્યચીજોના સેમ્પલ લેવાયા.
ગાયત્રી ડેરીફાર્મ (રામેશ્વરપાર્ક મેઇન રોડ) : કિવિ કદમ અને કેશર ચોકોબાટી મીઠાઈના નમૂના લેવાયા.
તિરુપતિ ડેરીફાર્મ (રામેશ્વરપાર્ક મેઇન રોડ) : મલાઈ બિસ્કિટ અને ચોકો સ્વીટ્સ લાડુના નમૂના લેવાયા.
જનતા ડેરી (રૈયા રોડ) : અંજીરપાક અને ગુલાબ કતરી મીઠાઈના સેમ્પલ લેવાયા.




