મશીનથી દારૂના પાઉચ બનાવતો શખ્સ ઝબ્બે : 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બે મહિના પૂર્વે મશીન લાવી, 200 એમએલ માપ સેટ કરી દેશી દારૂ ભરીને વેંચતા હતા
- Advertisement -
રાજકોટમાં અગાઉ વેચાતા પીવાના પાણીના પાઉચની માફક દેશી દારૂનું ઇલેક્ટ્રિક મશીન વડે પેકિંગ કરી વેચવાનું કૌભાંડ પીસીબી ટીમે ઝડપી પાડયું છે. પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો તથા ઇલેક્ટ્રિક મશીન સહિત રૂ.2.25 લાખના મુદ્દામાલ સાથે એક શખસની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારની શોધખોળ આદરી છે.
રાજકોટમાં દેશી – વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલિયાની રાહબરીમાં પીએસઆઇ આર કે જાડેજાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હિરેન્દ્રસિંહ અને દેવરાજભાઈને બાતમી મળી હતી કે મવડી મેઇન રોડ પર મારુતિનંદનનગરમાં આવેલા એક મકાનમાં દેશી દારૂ પ્લાસ્ટિકની કોથળીઓમાં પેક કરીને વેચાણ કરવામાં આવે છે આ બાતમી આધારે તાબડતોબ દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન 19 વર્ષીય મહેન્દ્ર વિજયભાઈ ઉકડિયા રંગે હાથ ઝડપાયો હતો જ્યારે મકાન માલિક યોગીરાજસિંહ ગોહિલની શોધખોળ હાથ ધરાઈ છે. સ્થળ પરથી પોલીસે 1.50 લાખની કિંમતનું પાઉચ બનાવવાનું ઈલેક્ટ્રિક મશીન, પ્લાસ્ટિકના 9 રોલ અને રૂ.45,000ની કિંમતનો 225 લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ પાણીના પાઉચનું મશીન બે મહિના પહેલાં લાવ્યા હતા અને તેમાં પાણીની ટાંકીમાં દેશી દારૂ ભરી તેના 200 એમએલનું માપ સેટ કરી રોલ એડજસ્ટ કરી પાણીના પાઉચ જેવી દેશી દારૂની કોથળી કાઢીને વેચતા હતા. આરોપી યોગીરાજસિંહ અગાઉ પણ આ ધંધામાં પકડાઈ ચૂક્યો છે આરોપી યોગીરાજસિંહ ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂનું પેકિંગ કરી વેચવાનું કારસ્તાન ચલાવતો હતો. આરોપી માલવિયાનગર પોલીસ સ્ટેશનથી માત્ર 150થી 200 મીટરના અંતરે બે મહિનાથી આ ધંધો કરતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.




