ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ ગૃહમંત્રીના દીર્ઘાયુષ્ય માટે કરી મંગલકામના
રાજકોટના માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ ખાતે બાળકોને મિષ્ટ ભોજન કરાવાયું
- Advertisement -
દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રાજકોટ ખાતે એક અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ દ્વારા માનસિક ક્ષતિવાળા બાળકોના વિશેષ ગૃહ ખાતે પહોંચી દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ગૃહના તમામ દિવ્યાંગ બાળકોને પ્રેમપૂર્વક મિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકો સાથે સમય વિતાવીને તેમના ચહેરા પર ખુશી લાવવાનો સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ઈશ્વર સમક્ષ અંતઃકરણપૂર્વક પ્રાર્થના અને મંગલકામના કરી હતી. આ સેવાકીય પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી લલિતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા સહિત સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, પ્રભારીઓ, સંગઠનની ટીમના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કાર્યકરો અને આગેવાનોએ સેવા હી સંગઠનના ભાવ સાથે આ વિશિષ્ટ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થઈ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.




