રાજકોટના એડવોકેટ સંજય પંડ્યાની એસપી અને કલેક્ટરને લેખિત રજૂઆત
ચલણી નોટોનું અપમાન અને ધાર્મિક લાગણી દુભાયાનો આક્ષેપ, જૂનાગઢ પોલીસે શરૂ કરી તપાસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના એડવોકેટ સંજય એચ. પંડ્યાએ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામમાં યોજાયેલા શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ડાયરામાં કલાકારો પર ચલણી નોટો ઉડાડવાના મામલે જૂનાગઢ પોલીસ અધિક્ષક (એસપી) અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ફરિયાદના આધારે મામલાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફરિયાદ મુજબ ખંભાળિયા ગામ સ્થિત દાડમબાપા મંદિરના પટાંગણમાં પ્રયાગરાજ ગ્રુપ દ્વારા તા. 9 મેથી 15 મે, 2026 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તાહ દરમિયાન એક રાત્રે યોજાયેલા ડાયરામાં ગુજરાતના લોકસાહિત્યકારો અને ગાયક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો દ્વારા કલાકારો પર મોટી સંખ્યામાં ચલણી નોટો ઉડાડવામાં આવી હોવાનું અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એડવોકેટ સંજય પંડ્યાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ભારતીય ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટોગ્રાફ તથા ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ અંકિત હોય છે. આવી નોટો દેશની સંપત્તિ સમાન હોવાથી તેનું સન્માન જળવાઈ રહેવું જોઈએ. જોકે ડાયરામાં નોટો ઉડાડવાની, પ્લાસ્ટિકની થેલીઓ ભરીને કલાકારો પર વરસાવવાની અને નોટો પગ નીચે કચડાતી હોવાના દૃશ્યો સામે આવ્યા હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે હિંદુ સંસ્કૃતિમાં ધનને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આવા સંજોગોમાં નોટોનો આ પ્રકારનો ઉપયોગ માત્ર ચલણી નોટોનું અપમાન જ નહીં પરંતુ ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે. આ સમગ્ર ઘટનાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાર્યવાહી જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. સંજય પંડ્યાએ જૂનાગઢ એસપીને રૂબરૂ મળી લેખિત અરજી આપી હતી અને જવાબદાર આયોજકો સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. સાથે જ જિલ્લા કલેક્ટરને પણ કાયદાકીય રીતે જે પગલાં શક્ય હોય તે લેવા રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદને આધારે મામલાની તપાસ માંગરોળ ડિવાયએસપીની દેખરેખ હેઠળ ચોરવાડ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદી અને જરૂરી સાક્ષીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



