પોલીસના દબાણ સાથે પૂછ્યાં વગર ખેતરમાં લાઈન નાખવાની કામગીરી શરૂ
રાજકોટ જિલ્લામાં જેટકો દ્વારા 400 કે.વી.હડાલા-શાપર લાઈન પ્રસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. જે અંગે જેટકો દ્વારા આ કામગીરીમાં વચ્ચે આવતી જમીનના ખેડૂતોને વર્ષ 2018માં નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતુ એકાએક જેટકોએ કોઈ અધિકારીની જમીનનું હિત સચાવવા માટે લાઈન નાખવાના રૂટને ફેરવી નાખીને રતનપરના ગામના કેટલાંક ખેડૂતોની જમીનની બલી ચડાવવા જઈ રહ્યા છે.
રતનપર ગામના એક ખેડૂતે આ અંગે વાત કરતાં જણાવ્યું છે કે, અમને 8 એપ્રિલના રોજ એકાએક નોટીસ પાઠવવામાં આવે છે કે, તમારી જમીનમાંથી 400 કે.વી.હડાલા-શાપર લાઈન પસાર કરવાની કામગીરી કરવામાં આવશે. તેમજ 20 એપ્રિલના રોજ જિલ્લા મેજીસ્ટ્રીની કચેરીમાં હાજર રહેવાનો હુકમ કર્યો હતો. તપાસ કરતાં માલુમ પડ્યું કે કોઈ અધિકારીની જમીનનું હિત સાચવવા માટે લાઈન પ્રસ્થાપિત કરવાનો રૂટ એકાએક બદલી નાખવામાં આવ્યો છે. 2 વર્ષ મોડી નોટીસ પાઠવીને અમારી સાથે અન્યાય કરતાં અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. પ્રશ્ન પુછવામાં આવે તો કોઈ સરખો જવાબ પણ આપતાં નથી. તેમજ પોલીસના નામે અમને દબાવીને પુછયાં વગર ટાવર અને લાઈન નાખવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જેટકોની લાઈનને કારણે અમારી 1 એકર જેટલી જમીન જતી રહેશે. નુકશનના બદલામાં વળતર પણ માર્કેટ ભાવ જેટલું આપવામાં આવશે નહીં.
- Advertisement -
અધિકારીઓની આવા આંધળૂકિયા નિર્ણયોને કારણે રતનપર ગામનાં ખેડૂતોને હાલાકી ભોગવી પડી રહી છે. જે દુ:ખની વાત છે. અધિકારીઓના હિત સાચવવા માટે ક્યાં સુધી આ રીતે સામાન્ય જનતાની બલી ચડતી રહેશે ?


