-તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા
અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગ્રુપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા ગજાના વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ શહેરના બે કેમિકલના મોટા ગજાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની ટીમોએ તવાઈ બોલાવી છે.
- Advertisement -
20થી વધુ સ્થળોએ દરોડા
અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમોએ 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં 20થી વધુ સ્થળો પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. એક સાથે 20થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા
આયકર વિભાગની ટીમે કેયુરભાઈ શાહ સહિત કેમિકલના અનેક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.
બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર સકંજો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના જાણીતા બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર સકંજો કસાયો છે. શહેરમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
સ્વાતિ બિલ્ડકોન પર ત્રાટકી હતી ટીમો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને અમદાવાદમાં જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITની ટીમો ત્રાટકી હતી, આવકવેરા વિભાગ દ્વારા એકસાથે 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તો એસજી હાઈવે પરના સિગ્નેચર-1ની સ્વાતિ ગ્રુપની ઓફિસ પર પણ સર્ચ હાથ ધરાયું છે. અહીં 10 અધિકારી અને કર્મચારી સહિત 4 પોલીસકર્મીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા હતા. શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. તપાસમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા હતા.