વિવિધ રૂટની 84 જેટલી બસમાં પણ વધારો કરાશે
કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ઘટી રહી હોવાથી સરકાર દ્વારા પરિવહન સહિતના તમામ ક્ષેત્રમાં છૂટછાટો વધારવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા રાજ્યની તમામ એસ.ટી.બસોને રાત્રિકર્ફયુમાં મુક્તિ આપતો નિર્ણય લીધા બાદ રાજકોટથી અનેક રૂટની એવી બસ જે વહેલી સવારે ઉપડતી હતી તે ફરીથી શરૂ થઈ જશે. આ સાથે જ કર્ફયુમાંથી છૂટ મળી જતાં વિવિધ રૂટની 84 જેટલી બસમાં પણ વધારો થશે તેમ એસ.ટી.વિભાગ દ્વારા જણાવાયું છે. આ અંગે એસ.ટી.ના ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે એસ.ટી.બસોને કર્ફયુમાંથી મુક્તિ મળી જતાં હવે વહેલી સવારથી જ રાજકોટમાંથી જ અમદાવાદ, જામનગર, મોરબી, કાલાવડ, જૂનાગઢ, ભૂજ, ભાવનગર, અમરેલી, વડોદરા સહિતના રૂટની બસો મળી શકશે. આ ઉપરાંત 84 જેટી બસમાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે અમદાવાદ માટે હવે રાજકોટથી સવારે 4 વાગ્યાથી, જામનગર માટે સવારે 5 વાગ્યાથી, મોરબી માટે સવારે 5:30 વાગ્યાથી, જૂનાગઢ માટે સવારે 5 વાગ્યાથી, કાલાવડ માટે સવારે 3:30 વાગ્યાથી, ભૂજ માટે સવારે 5 વાગ્યાથી, ભાવનગર માટે સવારે 5 વાગ્યાથી, અમરેલી જવા માટે સવારે પાંચ વાગ્યાથી અને વડોદરા જવા માટે સવારે 4:30 વાગ્યાથી બસ મળી રહેશે.
આ તમામ બસ રાત્રિકર્ફયુ હોવાને કારણે અત્યાર સુધી બંધ હતી પરંતુ હવે છૂટછાટ મળી જતાં તે રાબેતામુજબ દોડવા લાગશે. આવી જ રીતે છૂટછાટ મળી જવાને કારણે જામનગર તરફથી 18 જેટલી બસ, અમદાવાદ તરફથી 28 જેટલી બસ, બરોડા-સુરત તરફની 14 બસ, મોરબી તરફથી 16, કાલાવડ તરફથી 9, ભાવનગર તરફથી 6 અને અમરેલી તરફની 8 બસોમાં વધારો થશે જેના કારણે મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે.


