રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીનોે સંવેદના સાથે શ્રમિકોને સહાયરૂપ થવા મહત્વનો નિર્ણય
1 વર્ષ બાદ રાજ્ય સરકાર 500 જેટલા કેસો પરત ખેંચશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન પોતાના વતન ગયેલા શ્રમિકો પરના કેસો રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવશે. લોકડાઉન દરમ્યાન શ્રમિકો તેમના વતન પરત જતા રહ્યા હતા. આથી સરકારે તેમની સામે નિયમ ભંગ બદલ એપેડેમિક એક્ટ હેઠળ કેસો દાખલ કર્યા હતા. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં સરકારના આ નિર્ણયનો વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે હવે 1 વર્ષ બાદ રાજ્ય સરકાર 500 જેટલા કેસો પરત ખેંચશે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં આ મામલે જાહેરાત કરવામાં આવશે.

- Advertisement -
ગૃહ અને કાયદા રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું હતું આ લોક ડાઉન દરમિયાન સ્થળાતર કરતા શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ દાખલ થયેલા કેસો પૈકી 515 કેસો પરત ખેચવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
મંત્રીજાડેજાએ ઉમેર્યુ કે, રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીએ સંપર્ણ સંવેદના સાથે શ્રમિકોને સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન મોદીએ લોકડાઉનનો હિંમતભર્યો નિર્ણય કર્યો હતો તે સંદર્ભે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ નિયંત્રણો લાદવામા આવ્યા હતા જેના પરિણામે કોરોનાના પ્રથમ તબક્કામા સંક્રમણને રોકવામાં સફળતા મળી હતી.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત એ ઔદ્યોગિક રાજય છે ત્યારે દેશભરમાંથી રોજગારી માટે લાખો પરપ્રાંતિય શ્રમિકો ગુજરાત આવે છે. આ લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય શ્રમિકોને તેમના માદરે વતન જવા માટે પણ રાજય સરકારે કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ખાસ 1000 થી વધુ શ્રમિક ટ્રેનોઅને અન્ય પરિવહનના માધ્યમથી મળી અંદાજીત 24 લાખ જેટલા શ્રમિકોને તેમને વતન મોકલ્યાં હતાં. એટલુ જ નહી, શ્રમિકોને ભોજન માટે વિનામૂલ્યે રાશન પણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન નિયમોના ભંગ બદલ જે કેસો થયા હતા તે આજે પરત ખેચવાનો નિર્ણય કરીને શ્રમિકો પ્રત્યેની સંવેદના દાખવી માનવીય ઉમદા કામ અમારી સરકારે કર્યુ છે, તેમ પણ શ્રી જાડેજાએ જણાવ્યું હતું.
- Advertisement -

મંત્રીએ વદુ જણાવ્યું કે આ 515 કેસો હાલની સ્થિતિએ પરત ખેંચવાથી શ્રમિકોને રાહત થશે અને કાયદાકીય કામગીરીમાં પણ રાહત થશે. તેમણે ઉમેર્યુ કે આ 515 કેસો પરત ખેંચવા માટે જરૂરી પ્રક્રિયા કરવા સારૂ સંબંધીત પબ્લીક પ્રોસિક્યુટરને જિલ્લા મેજીસ્ટ્રેટ મારફતે જરૂરી સૂચના આપવામાં આવશે અને સત્વરે નિકાલ પણ કરાશે. આ માટે સંપૂર્ણ તકેદારી પણ રાજય સરકાર દ્વારા રખાશે, તેમ તેમણે ઉમેર્યુ છે.


