કોરોનાકાળમાં બંધ કરાયેલી યોજનામાં બજેટમાં સુધારા બાદ પણ શરૂ ન થઈ શકી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકો માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી રાજયમાં બંધ કરવામાં આવ્યા બાદ એક યા બીજા કારણોસર હજુ ચાલુ કરવામાં આવી નથી. વર્ષ 2022 – 23નાં રાજયનાં બજેટમાં આ યોજના હેઠળ શ્રમિકોને રૂ. 10 નાં બદલે રૂ. 5 માં ટિફિન ભરી આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં હજુ રાજકોટ સહિત રાજયમાં કોઈ જિલ્લામાં શ્રમિકોનાં પેટ ઠારતી આ યોજના ફરી શરૂ કરવામાં આવી નથી. મોંઘવારી સતત વધી રહી છે ત્યારે ગરીબ મજૂરો અન્નપૂર્ણા યોજના શરૂ કયારે થશે તેની રાહ જોઈ રહયા છે.
રાજયનાં જુદા જુદા જિલ્લાઓનાં મુખ્ય શહેરોનાં કડિયાનાકા બહાર શ્રમિક અન્નપૂર્ણા યોજના માટેની ખાસ કેબીનો મુકી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તામિલનાડુમાં રૂ. પ માં ગરીબોને ભોજન આપવામાં આવે છે એ પેટર્ન પર ગુજરાતમાં શ્રમિકો માટે જુલાઈ 2017માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં કેટલાક જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેકટ તરીકે યોજના શરૂ કરવામાં આવી હતી. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. યોજના શરૂ કરવામાં આવી ત્યારે રૂ. 10માં શ્રમિકોને ભોજન આપવામાં આવતુ હતુ હજારો શ્રમિકો તેનો લાભ લેતા હતા.
રાજયમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ આ યોજના કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી આ યોજના ઝડપથી શરૂ કરવાનાં કાર્યને પ્રાથમિકતા અપાશે તેવી જાહેરાત કરી હતી છતાં કોઈને કોઈ કારણોસર યોજના શરૂ થઈ નહિ. બાદમાં બજેટમાં આ યોજનામાં કેટલાક ફેરફાર કરવાના હોય તેવા કારણો આપવામાં આવ્યા હતા. બજેટમાં રૂ. 10 નાં બદલે રૂ. 5 માં ભોજન આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ નવું નાણાંકીય વર્ષ શરૂ થયુ ગયુ એપ્રિલ પુરો થવા આવ્યો છતાં રાજયમાં હજુ કોઈ જિલ્લામાં અન્નપૂર્ણા યોજના શરૂ થઈ શકી નથી. કામગીરી પ્રોસેસમાં હોવાનું બોર્ડનાં સૂત્રોએ જણાંવ્યુ હતુ.


