ઈટાલીના એક ખેડૂત પરિવારમાં જન્મેલા ફારુચિયો લીંબોર્ગિનીએ પોતાની લગન અને મહેનતથી ટ્રેકટર બનાવતી એક કંપની શરૂ કરી. થોડા સમયમાં ફારુચિયોની આ કંપની ઇટાલિની નામાંકિત કંપનીઓમાં સ્થાન પામી. ફારુચિયોને કાર ખૂબ ગમતી એટલે એ વખતે એણે દુનિયાની સૌથી શાનદાર ગણાતી ફેરારી 250 ખરીદી.
કાર ચલાવતી વખતે ફારુચિયોને એવું અનુભવાયુ કે આ વર્લ્ડક્લાસ કારના કલચમાં પ્રોબ્લેમ છે. એમણે ફેરારી કંપનીના માલિક એન્જો ફેરારીની એપોઇન્ટમેન્ટ લીધી અને સીધા એમને જ મળવા પહોંચી ગયા. ફારુચિયોએ ફેરારીને મળીને એની કારના કલચમાં થતી પરેશાનીની વાત કરી.
વાત સાંભળીને એન્જો ફેરારી હસી પડ્યા. દુનિયાની નામાંકિત કાર વિશેની આવી ટિપ્પણી સાંભળીને એન્જો ફેરારીએ કહ્યું, મિસ્ટર, આ ખેતરમાં ચલાવવાનું ટ્રેકટર નહીં લક્ઝુરિયસ કાર છે. ટ્રેક્ટરવાળાને આમાં કાંઈ ખબર ના પડે. ખામી મારી ગાડીમાં નહીં પણ ગાડી ચલાવનારા ડ્રાઈવરમાં છે.
એન્જો ફેરારીની આ વાત ફારુચિયોને હૃદયમાં ખૂંચી ગઈ. ફેરારીએ કરેલા આ અપમાનનો જડબાતોડ જવાબ આપવાનો એણે નિશ્ચય કર્યો. ફેરારીને પણ ટક્કર મારે એવી કાર બનાવવા માટે 1963માં સેન્ટ અગાટ નામના નાનકડા શહેરમાં ફારુચિયોએ એક ફેક્ટરી શરૂ કરી અને દુનિયાને અતિ લક્ઝુરિયસ તથા સ્પોર્ટ્સ કાર લોમ્બાર્ડીની ભેટ મળી. અપમાનનો બદલો લેવા માટે જ બનાવેલી લોમ્બાર્ડીએ આજે ફેરારીને પાછળ રાખી દીધી છે.
કોઈ તિરસ્કાર કે અપમાન કરે ત્યારે દલીલો કરીને શક્તિ વેડફવાને બદલે કોઈ નક્કર કામ કરીને સામેવાળાની બોલતી બંધ કરવાનો માર્ગ અપનાવવો જોઈએ.
ચંદ્ર તરફ જ નિશાન તાકો, કદાચ ચૂકી જશો તો પણ ક્યાંક તારાઓ વચ્ચે જ ઉતારશો.
-લેસ બ્રાઉન