સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ-ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડના સ્ટીકર લગાવી વેંચતા
શંકાસ્પદ પ્રવાહી-ખાલી બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત, ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અચાનક પોલીસ જાગી
- Advertisement -
ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯ના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી વેચવાના કૌભાંડનો નિકોલ અને SMC પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડયો છે, જ્યારે બે ફરાર છે. નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. જખઈ અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી. ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જયારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
એક વર્ષથી ચાલતો હતો ગોરખધંધો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુનિલ અને ફરાર આરોપી દિનેશ છેલ્લા એકાદ વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતા હતા. તે ચામુંડા બ્રિજ નીચે આવેલી ભંગારની દુકાનેથી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો, ઢાંકણા અને લેબલ લાવતા હતા. ત્યારબાદ તેમાં સસ્તો વિદેશી દારૂ પાણી અને બ્રાન્ડ મુજબની ચોકલેટ કે અન્ય ફ્લેવર મિક્સ કરીને નકલી સીલ મારી દેતા હતા. હાલ પોલીસે સુનિલની ધરપકડ કરી છે અને ફરાર દિનેશને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.




