એક જ ઇન્જેક્શનથી 62 % ઘટી જશે ખરાબ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક અને સ્ટ્રોકના દર્દીઓ માટે સંજીવની
લંડનના મેડિકલ રિસર્ચર્સ દ્વારા હાઈ કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ કરવામાં આવી છે. હાથ ધરવામાં આવેલા પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલમાં એક નવી એક્સપેરિમેન્ટલ થેરાપીના માત્ર એક જ ડોઝથી દર્દીઓના શરીરના LDL એટલે કે ‘ખરાબ’ કોલેસ્ટ્રોલના સ્તરમાં ૬૨ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં, આ ઘટાડો પૂરા એક વર્ષ સુધી જળવાઈ રહ્યો હતો. આ સંશોધનથી એવી મજબૂત આશા જાગી છે કે, ભવિષ્યમાં દર્દીઓને આજીવન દરરોજ ગોળીઓ લેવાની ઝંઝટમાંથી કાયમી છુટકારો મળી જશે.
‘VERVE-102’ નામનો આ ઇલાજ દર્દીને IV ડ્રિપ (નસ) દ્વારા આપવામાં આવે છે. આ ટેકનોલોજી બાયોલોજીની એક કુદરતી સુવિધાની નકલ કરીને કામ કરે છે. તે લિવરના કોષોમાં રહેલા એ ખાસ જીનને બંધ (Deactivate) કરી દે છે, જે ‘PCSK9’ નામનું પ્રોટીન બનાવે છે. સામાન્ય રીતે આ પ્રોટીન લોહીમાં ફરતા કઉક કોલેસ્ટ્રોલને સાફ થતાં રોકે છે પરંતુ, આ જીન બંધ થતાં જ શરીર પોતે જ વધારાના ખરાબ કોલેસ્ટ્રોલને લોહીમાંથી દૂર કરવા લાગે છે. આ એક જીન થેરાપી હોવા છતાં, તે દર્દીના શુક્રાણુ/ઇંડામાં રહેલા જીન્સને અસર કરતી નથી, જેથી આ ફેરફાર આગામી પેઢીમાં ટ્રાન્સફર થતો નથી.
UCL અને UCLHના સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં ૩૫ એવા વયસ્કોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમને ‘હેટેરોઝાયગસ ફેમિલિયલ (વંશાનુગત હાઈ કોલેસ્ટ્રોલ) અથવા નાની ઉંમરમાં કોરોનરી આર્ટરી ડીસીઝની સમસ્યા હતી. સૌથી વધુ ડોઝ (1.0 mg/kg) આપવા પર કોલેસ્ટ્રોલમાં ૬૨%નો ઘટાડો નોંધાયો હતો. સંશોધકો જણાવે છે કે, હાલ આ પ્રારંભિક તબક્કો છે અને તેની લાંબા ગાળાની સલામતી અંગેના અભ્યાસો ચાલુ છે. ‘ધી ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત આ અભ્યાસ જો સફળ થશે તો તે તબીબી ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચશે.
- Advertisement -
હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમ સામે મળશે કાયમી રક્ષણ
કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી ધમનીઓમાં ચરબીના થર (પ્લાક) જમા થાય છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. યુકે અને યુએસ જેવા દેશોમાં દર વર્ષે લાખો લોકો આ બીમારીઓને કારણે જીવ ગુમાવે છે. ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી દર વર્ષે ૩૫થી ૪૦ લાખ લોકોના મોત થાય છે, જે દેશના કુલ મૃત્યુના આશરે ૨૮થી ૩૦ ટકા જેટલા છે. જો મોટા પાયે થનારા સંશોધનમાં ‘ટ્યધ્યિ-૧૦૨’ સલામત અને અસરકારક સાબિત થશે તો એક જ વારના ઇલાજથી આ તમામ જોખમોથી લાંબા સમય સુધી સુરક્ષા મેળવી શકાશે.
દરરોજ દવા લેવાની માથાકૂટ અને સાઇડ ઇફેક્ટ્સમાંથી મુક્તિ
હાલમાં હાઈ કોલેસ્ટ્રોલ માટે ‘સ્ટેટિન’ (Statin) જેવી દવાઓ આપવામાં આવે છે, જે યુકેમાં ૭૦ લાખ અને યુએસમાં ૪ કરોડથી વધુ લોકો રોજેરોજ લે છે પરંતુ સંશોધન દર્શાવે છે કે લગભગ અડધા દર્દીઓ એક જ વર્ષની અંદર આ દવા બંધ કરી દે છે. આ પાછળનું મુખ્ય કારણ દરરોજ ગોળી લેવાનો કંટાળો અથવા સ્નાયુઓમાં દુખાવો (Muscle pain) જેવી સાઇડ ઇફેક્ટ્સ છે. આ જ કારણસર યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)ના પ્રોફેસર રિયાઝ પટેલ અને તેમની ટીમે આ ટેકનોલોજીના પરિણામોને અત્યંત રોમાંચક અને આશાસ્પદ ગણાવ્યા છે.




