થોડાં પૈસા ખાતર લોકોનો જીવ જોખમમાં મૂકતાં સોશિયલ મીડિયાનાં ઈન્સ્યુએન્સર્સ જવાબદારીમાંથી છટકી ન શકે
પ્રથમ કાયદાકીય મંજુરીઓ તપાસવી જોઈએ…
- Advertisement -
રાજકોટમાં મંજૂરી વિના ચાલી રહેલા મેળા – રેસ્ટોરન્ટ ગેમઝોન કે કોઈપણ સ્થળનું સોશિયલ મીડિયા પર માર્કેટિંગ – પ્રમોશન કરનારા ઈન્ફલ્યુએન્સર્સે એક વાત ખાસ સમજવાની જરૂર છે – સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવો માત્ર મનોરંજન નથી, જો એ વીડિયો લોકોને કોઈ એવી પ્રવૃત્તિ તરફ આકર્ષે છે જે જરૂરી સરકારી મંજૂરી વિના ચાલી રહી હોય તો તેની કાનૂની જવાબદારીનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે. લાખો લોકોને ગેરમાર્ગે દોરી જવાબદારીમાંથી છટકી શકાય નહીં.
કોઈપણ સ્થળ પરનું કંઈપણ જાહેર મનોરંજન કે વ્યાવસાયિક આયોજન કાયદેસર મંજૂરી વિના ચાલતું હોય અને કોઈ વ્યક્તિ જાણતા હોવા છતાં તેના ગ્રાહકો વધારવા, ભીડ એકઠી કરવા અથવા કમાણી વધારવા માટે તેનું પ્રમોશન કરે તો માત્ર ‘હું તો ઈફ્લ્યુએન્સર છું’ કહીને જવાબદારીથી છટકી શકાય એવું માનવું યોગ્ય નથી. સ્થાનિક પોલીસ તંત્ર અને સાયબર ક્રાઈમ વિભાગે આ દિશામાં કડક કાર્યવાહી કરવી અનિવાર્ય
બની જાય છે. રાજકોટ પોલીસ પાસે આ અંગે દાખલરૂપ કામગીરીની ખાસ અનિવાર્યતા છે, અપેક્ષા છે.
ખાસ કરીને જો મેળામાં જરૂરી પરવાનગીઓ, સલામતી પ્રમાણપત્રો અથવા સ્થાનિક તંત્રની મંજૂરીનો અભાવ હોય તો ઈફ્લ્યુએન્સર્સે પ્રમોશનલ વીડિયો બનાવતા પહેલાં આયોજક પાસેથી મંજૂરી અને સલામતી સંબંધિત દસ્તાવેજો ચકાસવા જોઈએ. ‘ફ્રી એન્ટ્રી’, ‘પેઇડ પ્રમોશન’, ‘બ્રાન્ડ કોલેબોરેશન’ કે ‘રિલ્સ માટે પૈસા મળ્યા હતા’ – આમાંથી કોઈપણ કારણ કાયદાનું પાલન કરવાની ફરજને આપોઆપ દૂર કરતું નથી. ન કરે નારાયણ રિલ્સ જોઈ લોકો ત્યાં જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો આયોજન જેટલી જવાબદારી જ લોકોને ત્યાં જવા પ્રેરનારાઓની બને છે.
સવાલ માત્ર એટલો નથી કે લોકોને માહિતગાર કરવા કે ગેરમાર્ગે દોરવા બદલ ઈન્ફલ્યુએન્સરને કેટલા રૂપિયા મળ્યા. સવાલ એ પણ છે કે તેના વીડિયોથી કેટલા લોકો ત્યાં પહોંચ્યા અને શું તે પ્રમોશનથી કોઈ જોખમી અથવા અનધિકૃત આયોજનને પ્રોત્સાહન મળ્યું? જો કોઈ મંજૂરી વિનાના મેળા કે જાહેર સ્થળ પર ચાલતા રેસ્ટોરન્ટ કે ગેમઝોનમાં અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તો તપાસ દરમિયાન આયોજકો ઉપરાંત ઘટનાને પ્રોત્સાહન આપનારા લોકોની ભૂમિકા પણ તપાસનો વિષય બની શકે છે. ચોક્કસ ગુનો અને જવાબદારી હંમેશાં ઘટનાના તથ્યો, ઈરાદા અને લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ પર આધારિત રહેશે તેથી ઈન્ફલ્યુએન્સર્સે કાયદાને હળવાશથી ન લેવો જોઈએ.
હરેક ઈફ્લ્યુએન્સર્સે એક સરળ નિયમ યાદ રાખવો જોઈએ કે પહેલાં જરૂરી મંજૂરી તપાસો, પછી પ્રમોશન કરો. કારણ કે રિલ્સની કેટલીક સેકન્ડની કમાણી માટે જો કોઈના જીવ સાથે રમત રમાતી હોય, તો ‘કન્ટેન્ટ ક્રિએટર’નું લેબલ કાયદા સામે ઢાલ બની શકે નહીં. હવે તંત્રએ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે મંજૂરી વિના મેળા, રેસ્ટોરન્ટ કે ગેમઝોન કે પછી કોઈ કાર્યક્રમનું આયોજન કરનાર સામે જ નહીં પરંતુ લોકોને ત્યાં પહોંચાડવા માટે આક્રમક માર્કેટિંગ-પ્રમોશન કરનારાઓ સામે કાયદેસર રીતે શું કાર્યવાહી થઈ શકે છે. નિયમ આયોજક- સંચાલક માટે એક અને પ્રમોટર -ઈન્ફલ્યુએન્સર્સ માટે બીજો ન હોવો જોઈએ.




