સોશિયલ મીડિયામાં વ્યૂઝ, લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવાની હોડ હવે એટલી વધી ગઈ છે કે કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ‘કન્ટેન્ટ’ અને ‘કોઈની અંગત મર્યાદા’ વચ્ચેનો ભેદ જ ધૂંધળો બની રહ્યો છે. જાહેર રસ્તા, બગીચા કે અન્ય જાહેર સ્થળે બેઠેલી બહેનો-દીકરીઓને માત્ર વીડિયો બનાવવા, વાતચીત શરૂ કરવા કે તેમની પ્રતિક્રિયા કેદ કરવા માટે વારંવાર રોકવામાં આવે તો પ્રશ્ન માત્ર કન્ટેન્ટનો રહેતો નથી – તે સંમતિ, સન્માન અને સંસ્કારનો પ્રશ્ન બની જાય છે. કોઈ બહેન-દીકરીને ‘એક્સક્યુઝમી’ કહીને તમે મને બહુ ગમો છો એવી રીતે વાત શરૂ કરવી પોતે કોઈ ગુનો નથી. વ્યક્તિના સંસ્કારનું પ્રદર્શન જરૂર છે. જો સામેની વ્યક્તિ વાત કરવા ઇચ્છતી ન હોય, અસહજતા વ્યક્ત કરતી હોય અથવા કેમેરા સામે આવવાની સંમતિ ન આપતી હોય અને છતાં વીડિયો બનાવવામાં આવે પીછો કરવામાં આવે કે તેની પ્રતિક્રિયાને મનોરંજન તરીકે રજૂ કરવામાં આવે તો તે ગંભીર રીતે અયોગ્ય વર્તન બની શકે છે. કોઈ વ્યક્તિ રસ્તા કે બગીચામાં બેઠી છે એટલે તેને કન્ટેન્ટનો ‘પાત્ર’ બનાવી દેવાનો અધિકાર કોઈને મળતો નથી. ખાસ કરીને મહિલાઓની પ્રતિક્રિયા, સંકોચ, ગભરાટ અથવા અસહજતાને ફની મોમેન્ટ બનાવીને વ્યૂઝ મેળવવા એ સોશિયલ મીડિયા સફળતાનો યોગ્ય રસ્તો ન હોઈ શકે. ઈન્ફલ્યુએન્સર બનવું એટલે માત્ર કેમેરો લઈને લોકોની વચ્ચે જવું નહીં. તેની સાથે એક સામાજિક જવાબદારી પણ આવે છે. હજારો લોકો જેને અનુસરે છે તે વ્યક્તિનું વર્તન બીજા યુવાનો માટે પણ ઉદાહરણ બની શકે છે. સાચો કન્ટેન્ટ ક્રિએટર એ નથી જે અજાણી વ્યક્તિને અસહજ બનાવીને લાખો વ્યૂઝ મેળવે, સાચો ક્રિએટર એ છે જે લોકોનું મનોરંજન કરે પણ તેમની ગરિમા જાળવીને કરે.
રિલ્સથી લોકોને છેતરનારાઓને ક્યારેય માફ ન કરી શકાય
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર્સ લાખો સામાન્ય નાગરિકોના વિચારો, ખરીદીના નિર્ણયો અને જીવનશૈલીને સીધી રીતે પ્રભાવિત કરવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. લોકો તેમને પોતાના વિશ્વસનીય માધ્યમ માનીને તેમની સલાહ પર આંધળો વિશ્વાસ મૂકતા હોય છે. જ્યારે આ ઈન્ફલ્યુએન્સર્સ અંગત આર્થિક લાભ ખાતર અપ્રમાણિત અને ભ્રામક ઉત્પાદનોનું પ્રમોશન કરે છે ત્યારે તે સીધો ગ્રાહકો સાથેનો વિશ્વાસઘાત બની જાય છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો માત્ર આર્થિક છેતરપિંડી પૂરતી સીમિત નથી રહેતી પરંતુ લોકોના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને પણ ભારે નુકસાન પહોંચાડે છે. તેથી જ્યાં સુધી કાયદાનું કડક અમલીકરણ નહીં થાય અને નિયમભંગ કરનારાઓને દાખલારૂપ સજા નહીં મળે ત્યાં સુધી સામાન્ય ગ્રાહકોનું શોષણ અટકશે નહીં.




