પહેલાં રાજસ્થાનથી દારૂ આવતો હતો હવે નકલી પનીર પણ ઘુસાડાય છે
રાજસ્થાનથી એનાલોગ પનીર લાવી અમદાવાદમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ
- Advertisement -
બે લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો જપ્ત, રૂ.450 MRP હતી અને 240ના ભાવે બે વ્યક્તિ લેવા આવ્યા’તા
ગુજરાતમાં 16 દિવસ પહેલા જ રાજ્ય સરકારે એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. AMCના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં આજે 21 ઑગસ્ટે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. જેમાં 408 કિલો લો ફેટ પનીરનો જથ્થો ઝડપીને સીઝ કર્યો છે. લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો. જેમાં પ્રતિ કિલોની MRP 450 રુપિયા લખેલી હતી અને બે વ્યક્તિ 240 રુપિયાના ભાવે આ જથ્થો લેવા આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં લક્ઝરી મારફતે પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે આજે અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં લો ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાને નરોડા અને મણીનગર વિસ્તારના બે લોકો પ્રતિ કિલો 240ના ભાવે ખરીદવા માટે આવ્યા હતા.
જોધપુર અને પાલીમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ
લક્ઝરી બસના લોકો દ્વારા લો ફેટ પનીરનો જથ્થો લાવવામાં આવતો હતો. જેમાં MRP ₹400થી 450 લખેલી હતી. રાજસ્થાનના જોધપુરના પ્રતાપનગરમાં ભોલેનાથ મિલ્ક પ્રોડક્ટ અને પાલી ખાતે સરદાર સમંદ રોડ પર RICCO 4th ફેઝમાં આવેલી વેરાઈટી પ્રોડક્ટ નામની મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી પનીરનો જથ્થો લકઝરી બસમાં અમદાવાદ લાવ્યા હતા. જે નરોડા અને મણીનગરના બે વેપારીઓને આપવાના હતા અને તેઓ પણ વિવિધ જગ્યાએ છૂટકમાં પનીર વેચવાના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જો કે ફૂડ વિભાગ દ્વારા આ પનીરનો જથ્થો લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. સેમ્પલના પરિણામ આવ્યા પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને લાવવામાં આવનાર તેમજ ખરીદનાર તમામ લોકો સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.




