દેશમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીથી રાજકોટ શહેર મુક્ત થઇ ગયું.
પરંતુ શહેરમાં ઝાડા-ઉલ્ટીનો ઉપદ્રવ થવા માંડ્યો છે. જેના કારણે આરોગ્ય ખાતું ચિંતિત છે. કોરોના વાઇરસના સંક્રમણને લઈને ખૂબ જ લાંબા સમય બાદ રાજકોટ જિલ્લા માટે આનંદના સમાચાર આવ્યા. સમગ્ર રાજકોટ જિલ્લો કોરોના વાયરસથી મુક્ત થઇ ગયો. મંગળવારે આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નહતો.રાજકોટ જિલ્લાના 11 તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇ ગયાનો દાવો કરાયો છે. પરંતુ બીજી બાજુ શહેરમાં શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસો વધવા માંડ્યા છે.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં શરદી-ઉધરસના 224 કેસ તાવના 127 કેસ અને ઝાડા-ઉલ્ટીના 92 કેસ નોંધાયા છે. આરોગ્ય ખાતાનું કહેવું છે કે શહેરમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. એટલે કે વહેલી સવારે અને રાત્રે ઠંડી તેમજ દિવસે ખાસ કરીને બપોરે અસહ્ય ગરમીને લીધે રોગચાળો ફેલાઇ રહ્યો છે. જો કે તંત્ર તરફથી સંપૂર્ણ તકેદારી રખાઇ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો.
ગુજરાતમાં 24 કલાકમાં 13 કોરોના કેસ
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 326 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 05 લોકો વેન્ટીલેટર પર છે. 321 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212513 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,941 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 દર્દીના મોત થયા છે.અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.
આ જિલ્લામાં પણ કોરોનાના કેસ નહી
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરત કોર્પોરેશન, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


