ભારત ટેક્સીના ત્રણ મુખ્ય ઉદ્દેશ છે, સારથિ અને ગ્રાહકનું શોષણ અટકાવવું, સારથિને સન્માન અને માલિકી આપવી તથા સુરક્ષા સાથે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 જૂન એમ બે દિવસ દરમિયાન તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે છે. સહકારી મોડલ આધારિત ‘ભારત ટેક્ષી’ સેવાનો આજે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના એરપોર્ટ તેમજ વિવિધ સરકારી સંસ્થાઓ સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત કેટલાક ટેક્સી ડ્રાઈવરો દ્વારા ખાનગી ટેક્સી વાહનોને આ મોડલમાં સામેલ ન કરવાની માંગ પણ ઉઠી હતી. આ કાર્યક્રમ દરમિયાન ભારત ટેક્ષીના સીઈઓએ વડોદરા એરપોર્ટ, અદાણી એરપોર્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), GETCO, અમદાવાદ પોલીસ, રાજકોટ એરપોર્ટ અને સુરત એરપોર્ટ ઓથોરિટી સહિતની સંસ્થાઓ સાથે એમઓયુ કર્યા હોવાનું જાહેર કર્યું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે આગળ કહ્યું કે મોબિલિટી ક્ષેત્ર માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ખાનગી એપ આધારિત ટેક્સી સેવાઓમાં ડ્રાઈવરો પાસેથી ભારે કમિશન વસૂલવું, રજિસ્ટ્રેશન બંધ કરી દેવું અને મહેનતાણું મોડું ચૂકવવા જેવી અનેક ફરિયાદો મળતી હતી. તેથી સહકારી મોડલ પર ભારત ટેક્સીની કલ્પના કરવામાં આવી છે. “અહીં ડ્રાઈવર નહીં પરંતુ ‘સારથિ’ હશે અને તે માત્ર સેવા આપનાર નહીં પરંતુ સહકારી સંસ્થાનો માલિક પણ હશે.‘શોષણ અટકાવવું, માલિકી અને સમૃદ્ધી આપવાનો ઉદેશ’ ભારત ટેક્સીના ત્રણ મુખ્ય ઉદ્દેશ છે, સારથિ અને ગ્રાહકનું શોષણ અટકાવવું, સારથિને સન્માન અને માલિકી આપવી તથા સુરક્ષા સાથે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી. હાલમાં દેશભરમાં 7 લાખથી વધુ સારથિઓ આ સહકારી સંસ્થાના સભ્ય છે અને 37 લાખથી વધુ લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે.




