126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ
10,000 થી વધુ લોકોનાં મોતની આશંકા, અનેક ઇમારતો ધરાશાયી
- Advertisement -
ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા 1,700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલો વિનાશક ભૂકંપ અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતી આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના આવાસ તેમજ દફતરો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.
વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. અમેરિકી જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, તેમાં 10,000 થી વધુ લોકોના મૃત્યુની 44% અને 1,00,000 થી વધુ મૃત્યુની 30% આશંકા છે. પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા. કારાકાસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. જોકે, હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો. આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે, આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
- Advertisement -
અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) ના જણાવ્યા અનુસાર, વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારમાં માત્ર 40 સેકન્ડના અંતરાલમાં બે પ્રચંડ આંચકા અનુભવાયા હતા. પ્રથમ 7.1 ની તીવ્રતાનો આંચકો એક ‘ફોરશૉક’ (મુખ્ય ભૂકંપ પહેલાનો ઝટકો) હતો, જેના બરાબર 40 સેકન્ડ બાદ 7.5 ની તીવ્રતાનો મુખ્ય પ્રચંડ ભૂકંપ ત્રાટક્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ મૌન્ટાલ્બાનથી ઉત્તર-પશ્ચિમમાં 28 કિલોમીટર દૂર નોંધાયું છે, જે વિસ્તાર દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીઓ માટે જાણીતો છે. આ ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ઘટનાસ્થળથી આશરે 1,700 કિલોમીટર દૂર આવેલા બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા, જ્યાં પણ સુરક્ષાના ભાગરૂપે અનેક ઇમારતો ખાલી કરાવવી પડી હતી.
આ દરમિયાન, અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટર દ્વારા શરૂઆતમાં પ્યુર્તો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે જારી કરવામાં આવેલું સુનામીનું એલર્ટ બાદમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ પછી સત્તાવાર રીતે પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી તેમ જણાવાયું છે. બીજી તરફ, વેનેઝુએલાના પાડોશી દેશ મેક્સિકોના વિદેશ મંત્રાલયે આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરીને એકજૂથતા દર્શાવી છે. જોકે, આપત્તિના કલાકો વીતી ગયા હોવા છતાં ઘાયલો કે મૃતકોના ચોક્કસ આંકડા જાહેર ન કરવા બદલ અને દેશને તાત્કાલિક સંબોધન ન કરવા બદલ ત્યાંના સ્થાનિક રાજકારણીઓ અને જનતા દ્વારા કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝની આકરી ટીકા પણ કરવામાં આવી રહી છે.
ટ્રમ્પે કહ્યું – વેનેઝુએલાને શક્ય તમામ મદદ પૂરી પાડીશું.
વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાહત સહાયની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે યુએસ શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે અને તમામ સરકારી એજન્સીઓને ઝડપથી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ સંપૂર્ણપણે તૈયાર અને મદદ કરવા સક્ષમ છે. મેં મારી સરકારની બધી એજન્સીઓને તાત્કાલિક તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે. અમે અમારા નવા અને સારા મિત્રોની સાથે ઉભા રહીશું તેમ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું.




