આવતીકાલે વીર શહીદોને નમન….એક શામ શહીદો કે નામ
કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ, લોક ગાયક સાગરદાન ગઢવી અને નીતિન જાની (ખજૂરભાઈ) ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય સૈનિક દેશ-દેશવાસીઓની રક્ષા કાજે પોતાના પરિવારોથી દૂર રહીને રાષ્ટ્રપ્રેમની જુવાળ સાથે દરેક પરિસ્થિતિમાં સરહદપર નીડરતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવે છે. આ કર્તવ્ય નિભાવવામાં એ પોતાનું બલિદાન દેવામાં પણ પાછી પાની કરતા નથી. ત્યારે એમના બલિદાનને સન્માન આપવા 23 માર્ચને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આવા વીર શહીદોને હદયપૂર્વક શ્રધ્ધાંજલી આપવા માટે રાજકોટના યુવા ફાઉન્ડેશન દ્વારા 23 માર્ચના રોજ, કલ્યાણ પાર્ટી પ્લોટ, સિનર્જી હોસ્પિટલ સામે, 150 રીંગ રોડ ખાતે સાંજના 7 થી 9 વાગ્યે એક શામ શહીદો કે નામ એટલે કે વીર શહીદ ગાથાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અન્વયે દેશભક્તિનો જુવાળ આપણાં સૌમાં ઉત્પન્ન થાય તે માટે લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતનાં નામાંકિત લોક સાહિત્યકાર યુવાઓના ચહિતા દેવાયત ખવડ પોતાની સાહિત્ય શૈલીમાં દેશપ્રેમ રજુ કરશે. તેમજ યુવા લોક ગાયક સાગરદાન ગઢવી અને સોશિયલ મીડિયાથી બાળકોથી લઈને વૃધ્ધોના હદયમાં વસનાર નીતિનભાઈ જાની એટલે કે ખજૂરભાઈ વિશેષ ઉપસ્થિત રહેશે. વધુમાં વિવિધ શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ થકી વીર શહીદોને શ્રધ્ધાંજલિ આપશે. ઉપરાંત રાત્રિના 9 વાગ્યે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અકીલા પ્રેસના તંત્રી કિરીટભાઈ ગણાત્રા, મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, મેયર પ્રદિપ ડવ, યુવા બિઝનેશ ટાયકુન યોગેશ પુજારા સહિતના મહાનુભવો દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા, વીર શહીદોને ભાવભીની શ્રધ્ધાંજલિ આપવા યુવા ફાઉન્ડેશનના પ્રમુખ યુવરાજભાઈ ચુડાસમા, મહામંત્રી રાજુભાઈ આહિર સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


