એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં, હું પણ તૂટું મારી અંદર, વૃક્ષ પડે છે ત્યારે…..
સાહિત્ય અકાદમી અને લેંગ લાઈબ્રેરીના ઉપક્રમે ‘કવિસંધિ’નું આયોજન
- Advertisement -
‘શબ્દવેદ’ અને ‘પીંછાંનું ઘર’ના સર્જક ડૉ. ઉર્વીશ વસાવડાના કાવ્યરસથી ભીંજાશે રાજકોટ
સાહિત્ય અકાદમી, દિલ્હી અને રાજકોટની લેંગ લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે કાલે તા. ૨૭-૬-૨૦૨૬ ને શનિવારે સાંજે ૬-૩૦ કલાકે લેંગ લાઈબ્રેરી, રાજકોટ ખાતે ‘કવિસંધિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભાષાના સુખ્યાત કવિ ડૉ. ઉર્વીશ વસાવડા સાથે એક કાવ્યગોષ્ઠિ યોજાશે, જેમાં કાવ્યરસિકોને તેમની સર્જકતાનો આસ્વાદ માણવા મળશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલયના પ્રમુખ ડૉ. નિરંજન પરીખ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. ઉર્વીશ વસાવડા ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત સર્જક છે. ‘પીંછાંનું ઘર’, ‘ટહુકાનાં વન’, ‘પુષ્પનો પગરવ’, ‘ઝાકળના સૂરજ’ અને ‘સમયનો દીવો’ વગેરે તેમના જાણીતા ગઝલસંગ્રહો છે, તેમજ ‘ગિરનાર સાદ પડે’ દીર્ઘકાવ્યમાંથી તેમની ઉત્કૃષ્ટ સર્જકતાનો પરિચય મળી રહે છે. આ ઉપરાંત તેમણે કરેલું નરસિંહ મહેતાના સમગ્ર કાવ્યોનું સંકલન ‘શબ્દવેદ’ પણ સાહિત્ય જગતમાં ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે. તેમની આ સાહિત્યિક પ્રવૃત્તિઓ અને પુસ્તકો વડોદરા ગઝલસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પુરસ્કૃત પણ થયાં છે. સાહિત્ય અકાદમી, દિલ્હી તથા લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય, રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ‘કવિસંધિ’ કાર્યક્રમનો આસ્વાદ માણવા માટે લાઈબ્રેરીના માનદ મંત્રી બિપિન મહેતા દ્વારા તમામ કાવ્યરસિકોને ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




