પનીર- મલાઈના નામે ‘ઝેર’ પીરસતી રાજકોટની 3 મોટી ડેરીઓ સીલ કરાઈ
ફોર્ચ્યુનમાંથી પનીર અને શ્યામ ડેરીમાંથી પનીર એનેલોગનું સેમ્પલ લેવાયુઃ 15 હજારનો દંડ ફટકારાયો
રેલવે જંક્શન, સાધુ વાસવાણી રોડ અને જામનગર રોડ પર 38 પેઢીમાં ચેકિંગ, 136 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 22700નો દંડ
- Advertisement -
રાજકોટ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અખાદ્ય તેમજ વાસી ખોરાક વેચતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગે લાલઆંખ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેસ્ટોરન્ટ્સ, હોટલો અને નાસ્તાના ગૃહ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પનીરનું ઉત્પાદન તથા વિતરણ કરતી ત્રણ મોટી પેઢીઓને સીલ કરી દેવામાં આવતા ખાણી-પીણીના બજારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ફૂડ વિભાગની ટીમે શહેરમાં પનીર વેચતી ત્રણ પેઢીઓમાં દરોડા પાડ્યા હતા અને કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ (લાતી પ્લોટ શેરી નંબર ૪, રાજકોટ): અહીં તપાસ દરમિયાન ફૂડ વિભાગે લુઝ પનીરનું સેમ્પલ લીધું હતું અને વેપારી પાસેથી ₹૫,૦૦૦નો વહીવટી દંડ વસૂલ કરી પ્રીમાયસિસ સીલ કરી દીધી હતી. શ્રીરામ ડેરી (સોમનાથ-૩, શેરી નંબર ૧, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ): અહીં વ્યાપક ગેરરીતિ સામે આવી હતી. ફૂડ વિભાગે મલાઈ અને પનીરના સેમ્પલ લીધા હતા. સ્થળ પરથી અંદાજિત ₹૧,૭૫,૦૦૦ની કિંમતનો ૫૦૦ કિલોગ્રામ ફૂગવાળો અખાદ્ય મલાઈનો લુઝ જથ્થો મળી આવતા તેને મહાપાલિકાના SWM (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) વાહનમાં નાખી નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢી પાસેથી પણ ₹૫,૦૦૦ દંડ વસૂલ કરી પ્રીમાયસિસ સીલ કરાઈ હતી.શ્યામ ડેરી પ્રોડક્ટ (વિવેકાનંદ નગર શેરી નંબર ૯, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ): અહીં તપાસ દરમિયાન નકલી પનીર એટલે કે ‘પનીર એનેલોગ’ નું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ₹૫,૦૦૦નો દંડ વસૂલ કરી પ્રીમાયસિસ સીલ કરવામાં આવી હતી.
- Advertisement -
સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં પણ વ્યાપક દરોડા
- રેલવે જંકશનની સામેના વિસ્તારમાં કુલ ૧૬ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૫ પેઢીઓમાંથી કુલ ૪૭ કિલોગ્રામ અખાદ્ય ખોરાક ઝડપી તેનો નાશ કરાયો હતો. હાઈજીનિક કન્ડિશન તથા સ્ટોરેજ બાબતે નિયમોનું ઉલ્લંઘન કરતી ૧ પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી અને કુલ ૧૧,૭૦૦ની પેનલ્ટી વસૂલ કરાઈ હતી.
- સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં કુલ ૧૦ પેઢીઓનું આકસ્મિક ચેકિંગ કરાયું હતું. જેમાં ૪ પેઢીમાંથી કુલ ૭૪ કિલોગ્રામ વાસી અને અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કુલ ૧૧,૦૦૦નો દંડ વસૂલ કરાયો હતો.
- જામનગર રોડ પર શેઠનગરના ગેટ પાસે ફૂડ વિભાગની ટીમે કુલ ૧૨ પેઢીઓની તપાસ કરી હતી. આ દરમિયાન કુલ ૧૫ કિલોગ્રામ ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.




