નાણાકીય જાહેરાતો પર SEBIની કડક લગામ : ફિન-ફ્લુએન્સર્સ પર નિયંત્રણ માટે નવો ડ્રાફ્ટ જાહેર
સોશિયલ મીડિયા ક્રિએટર્સ, ખેલાડીઓ, ટીવી-OTT સ્ટાર્સ અને AI અવતારો પણ આવશે નિયમોની ઝપેટમાં
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ નવી દિલ્હી
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાએ લોકોના જીવનમાં અસાધારણ સ્થાન મેળવ્યું છે. હવે માત્ર ફિલ્મી કલાકારો કે ટીવી સ્ટાર્સ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પણ લાખો લોકોના નિર્ણયો પર સીધી અસર કરી રહ્યા છે. ખાસ કરીને રોકાણ અને નાણાકીય બાબતોમાં સોશિયલ મીડિયા પર આપવામાં આવતી સલાહના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)એ એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટ પ્રસ્તાવ જાહેર કર્યો છે. નવા પ્રસ્તાવ મુજબ હવે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 લાખ કે તેથી વધુ ફોલોઅર્સ અથવા સબસ્ક્રાઇબર્સ ધરાવતા ડિજિટલ ક્રિએટર્સને કાયદેસર રીતે ‘સેલિબ્રિટી’ તરીકે ગણવામાં આવશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ આવા ઇન્ફ્લુએન્સર્સ નાણાકીય પ્રોડક્ટ્સ અને રોકાણ સંબંધિત જાહેરાતોમાં સીધી રોકાણ સલાહ આપી શકશે નહીં. SEBIનું માનવું છે કે આ પગલું સામાન્ય રોકાણકારોના હિતોની સુરક્ષા અને નાણાકીય બજારમાં પારદર્શિતા જાળવવા માટે જરૂરી છે.
ડ્રાફ્ટમાં ‘સેલિબ્રિટી’ની વ્યાખ્યાને પણ નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવામાં આવી છે. હવે માત્ર બોલિવૂડ કે ટીવીના જાણીતા ચહેરાઓ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા ક્રિએટર્સ, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ તેમજ ક્રિકેટ અને કબડ્ડી જેવી લોકપ્રિય રમતોના ખેલાડીઓ પણ આ શ્રેણીમાં સામેલ થશે. આ ઉપરાંત ટીવી અને OTT પ્લેટફોર્મ પર વિવિધ શોનું સંચાલન કરતા એન્કર અને હોસ્ટ, જેમણે ઓછામાં ઓછા 10 એપિસોડનું સંચાલન કર્યું હોય, તેઓ પણ આ નિયમ હેઠળ આવશે. ટીવી અથવા OTT પર પ્રસારિત થતા રિયાલિટી શોના વિજેતા અને રનર-અપને પણ ‘સેલિબ્રિટી’ તરીકે ગણવામાં આવશે. SEBIનું માનવું છે કે સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે સામાન્ય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું અને નાણાકીય જાહેરાતોમાં જવાબદારી તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવી સમયની જરૂરિયાત બની ગઈ છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર રોકાણ સંબંધિત પ્રચાર અને જાહેરાતો માટે વધુ કડક ધોરણો લાગુ થશે, જેના કારણે રોકાણકારોને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય માહિતી મળી શકશે.
- Advertisement -
માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ આ લોકો હવે સેલિબ્રિટીની કેટેગરીમાં આવશે.
ડિજિટલ ક્રિએટર્સ : ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર જેના 5 લાખથી વધુ ફોલોઅર્સ કે સબસ્ક્રાઇબર્સ હોય.
રમતવીરો : આંતરરાષ્ટ્રીયસ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરનારા એથ્લેટ્સ તેમજ ક્રિકેટ અને કબડ્ડી જેવી રમતોના ખેલાડી જે ટીવી પર જોવા મળે છે.
ટીવી અને ઓટીટીના ચહેરા : કોઈપણ ટીવી શો, ક્વિઝ, કુકિંગ શો, ન્યૂઝ ચેનલ, કોમેડી શો કે ડાન્સ-સિંગિંગ કોમ્પિટિશનના એન્કર અથવા હોસ્ટ ઉપરાંત ટીવી કે OTT પર આવતા રિયાલિટી શોના વિનર અને રનર-અપ પણ સામેલ થશે.
આધુનિક ટેકનોલોજી પર પણ SEBIની નજર
SEBIનો પ્રસ્તાવ માત્ર વાસ્તવિક વ્યક્તિઓ પૂરતો મર્યાદિત નથી. આજના સમયમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) દ્વારા બનાવવામાં આવેલા વર્ચ્યુઅલ પાત્રો અને AI અવતારો પણ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે છે. જો આવા AI અવતારો માનવ જેવી લાક્ષણિકતાઓ ધરાવતા હોય અને લોકોના નાણાકીય નિર્ણયો પર અસર કરવાની ક્ષમતા ધરાવતા હોય, તો તેઓ માટે પણ માનવ સેલિબ્રિટીની જેમ જ તમામ નિયમોનું પાલન ફરજિયાત રહેશે.
SEBIએ કડક પગલું કેમ ભરવું પડ્યું?
છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર ‘ફિન-ફ્લુએન્સર્સ’ એટલે કે નાણાકીય સલાહ આપતા ઇન્ફ્લુએન્સર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અનેક યુવાનો આવા ઇન્ફ્લુએન્સર્સની સલાહના આધારે રોકાણના નિર્ણયો લેતા થયા છે. જોકે ઘણી વખત અધૂરી, ભ્રામક અથવા ગેરમાર્ગે દોરતી માહિતીના કારણે રોકાણકારોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે.



