આજે અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે 27 જૂન અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદામાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેથી સાગબારા દેડિયાપાડા વિસ્તારની જંગલ વિસ્તારની નદીઓમાં પૂર આવ્યું હતું.ઉત્તર ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.જોકે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી કોઈ ખાસ હવામાન એલર્ટ જાહેર કરવામાં આવી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રમાં છૂટાછવાયા વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે.નર્મદાના સાગબારા દેડિયાપાડા વિસ્તારમાં બે દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. ભારે વરસાદ પડતા જંગલ વિસ્તારની નદી ખાડીઓમાં પૂરની પરિસ્થિતિ હજુપણ યથાવત હોય આ પાણીના વહેણથી રસ્તાઓનું ધોવાણ થતા 108ને પણ ગામડા સુધી જવું મુશ્કેલ બની રહ્યું છે. ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 108 ટીમે વરસાદ વચ્ચે માર્ગમાં આવતા પથ્થરો હટાવ્યા સાથે દર્દીને ઝોલીમાં લઈ જઈ એક જીવ બચાવ્યાની ઘટના સામે આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત તેમજ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વધુ આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે. આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે.




