વિદેશ મંત્રાલયે જાહેર કર્યા પાસપોર્ટ (સુધારા) નિયમો-2026
1980ની જૂની ફી યાદી રદ, નવી ચાર્જ યાદી અમલમાં આવશે
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી વિવિધ સેવાઓના ચાર્જમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ (સુધારા) નિયમો, 2026 જાહેર કરવામાં આવ્યા છે, જેના આધારે 1 જુલાઈ, 2026થી નવા દરો અમલમાં આવશે. આ ફેરફાર બાદ સામાન્ય નાગરિકો માટે નવો પાસપોર્ટ મેળવવો અથવા હાલના પાસપોર્ટનું નવીનીકરણ કરાવવું અગાઉની સરખામણીએ વધુ ખર્ચાળ બનશે. કેટલીક સેવાઓમાં નાગરિકોને રૂ.2,000 સુધીનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી શકે છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય અંગે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નવી જોગવાઈઓ મુજબ હવે પાસપોર્ટ સંબંધિત તમામ મુખ્ય સેવાઓ માટે સુધારેલી ફી વસૂલવામાં આવશે. તેમાં નવો પાસપોર્ટ કઢાવવો, પાસપોર્ટનું રીન્યુઅલ કરાવવું તેમજ અન્ય સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા વર્ષ 1980થી અમલમાં રહેલી જૂની ફી યાદી (શેડ્યૂલ-IV)ને સંપૂર્ણપણે રદ કરીને તેના સ્થાને નવી ચાર્જ યાદી લાગુ કરવામાં આવી રહી છે. લાંબા સમય બાદ ફીમાં કરવામાં આવેલા આ સુધારાને કારણે પાસપોર્ટ સેવાઓના ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
તાજેતરના સમયમાં પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે વધુ મહત્વ આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા પાસપોર્ટ સેવાઓની ફીમાં કરવામાં આવેલો આ વધારો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે સુધારેલા નિયમો હેઠળ પાસપોર્ટ સેવાઓને વધુ કાર્યક્ષમ અને આધુનિક બનાવવાના હેતુથી નવી ફી વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી રહી છે. નવા નિયમો 1 જુલાઈ, 2026થી અમલમાં આવતા, જે પણ અરજદારો તે તારીખ બાદ પાસપોર્ટ માટે અરજી કરશે અથવા અન્ય પાસપોર્ટ સંબંધિત સેવાઓનો લાભ લેશે, તેમને નવી ફી મુજબ જ ચૂકવણી કરવી પડશે. તેથી આગામી દિવસોમાં પાસપોર્ટ માટે અરજી કરવાની યોજના ધરાવતા નાગરિકોએ સુધારેલા દરોને ધ્યાનમાં રાખીને જરૂરી આયોજન કરવાની જરૂર રહેશે.




