મારૂતી જવેલર્સનો સંચાલક હસમુખ લોઢીયા કમિશનથી સોનુ વેચવા લઇ જઈ ભૂગર્ભમાં ઉતરી ગયો
એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ : પોલીસે ઘરે તપાસ કરી પણ રફુચક્કર થઇ ગયો હતો
- Advertisement -
રાજકોટની સોની બજારમાં દિવાળી પૂર્વ જ હોળી સર્જાઈ છે બુલિયન પેઢીનું ઉઠમણું થતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે સોની બજારમાં આવેલ મારૂતી જવેલર્સ પેઢીનો સંચાલક 7.77 કરોડનું ફુલેકુ ફેરવી મોબાઈલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી જતાં ચાર વેપારીઓએ એડિવિઝન પોલીસમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે પોલીસ તેના ઘરે પણ પહોંચી હતી પરંતુ ત્યાં મળી આવ્યો ન હતો.
રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતાં અને સોની બજાર જુની ગધીવાડ શેરીમાં ક્રિષ્ના ચેમ્બરમાં રમેશચંદ્ર એન્ડ સન્સ નામની સોનાની દુકાનમાં બેસી સોની કામ કરતા જતીનભાઈ ઉર્ફે કાનાભાઈ રમેશભાઈ પાટડીયા ઉ.49 નામના વેપારીએ રેસકોર્સ રિંગ રોડ ઉપર કલ્યાણ પાર્કમાં રહેતા અને સોની બજાર ગઢની રાંગની શેરીમાં મારૂતી જવેલર્સ નામની પેઢી ધરાવતા હસમુખ ઉર્ફે હસુ શાંતિલાલ લોઢિયા સામે 7,77,33,677 રૂપિયાની છેતરપીની અંગે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હસમુખ લોઢિયાને છેલ્લા દોઢ બે વર્ષથી તે ઓળખે છે તેમને કમીશનથી સોનુ આપતો હતો અને તે પોતે બજારમાં બુલીયન તરીકે વેપાર ધંધો કરતો હતો હસમુખ ઉર્ફે હસુએ ધીરે ધીરે વિશ્વાસ કેળવી અને ગઇ તા.26ના રોજ બપોરે ફોન કરી કહ્યું હતું કે, તારી પાસે સોનુ પડેલ છે, હું જે માણસને મોકલુ તેમને મને ફોન કરી સોનુ આપી દેજે. જે બાદ આ હસમુખએ સવા બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં વીજયભાઈ ફુગસીયાને ત્રણ વાર મોકલેલ અને હસમુખ ઉર્ફે હસુના મોબાઇલ ઉપર વાત કરીને તેના કહેવાથી તેના માણસ વિજયભાઈ કુગસીયાને ઓફીસેથી કટકે કટકે આખા દીવસમાં ચાર કીલો ફાઇન સોનુ આપેલ અને એક કીલો ફાઇન સોનુ હસમુખના કહેવાથી પાર્થ ગોલ્ડના પેઢીના માલીક હિરેનભાઈ રાજેશભાઈ પાટડીયાને આપ્યું હતુ આમ ફરીયાદીએ હસમુખ ઉર્ફે હસુને તા.26ના કુલ પાંચ કીલો ફાઇન સોનુ આપ્યું હતુ બુલીયનના ધંધાના નીયમ મુજબ 24 કલાકની અંદર તેમણે સોનુ પરત આપવાનુ હોય છે જે પાંચ કીલો સોનાની હાલની બજાર કિંમત આશરે 7.25 કરોડ ગણી શકાય જે પરત લેવાનુ હોય જેના માટે હસમુખને તા. 27ના બપોરના આશરે બારેક વાગ્યે ફોન કરતા ફોનમાં જણાવેલ કે, તુ ચિંતા ન કર, તારુ સોનુ તને સાંજના પાંચ વાગ્યા સુધીમાં પરત મળી જશે. ત્યાર બાદ સાંજના સાડા છયેક વાગ્યે ફોન કરતા તેનો મોબાઇલ બંધ આવેલ અને સંપર્ક થયેલ નહી જેથી તેના ઘરે જઈ તપાસ કરતા તેના પિતા શાંતીલાલ હાજર મળેલ અને તેને હસમુખ સોનુ લઈ ગયેલ હોય જે બાબતે પુછતા તેને કઈ ખબર ન હોવાનુ જણાવ્યું હતું આ દરમિયાન સોની બજારમાંથી મનોજકુમાર મથુરદાસ ઢોકળીયાનું 14.55 લાખનું 100 ગ્રામ સોનાનું બિસ્કિટ, હિતેષભાઇ ટીકભાઈ માંડલિયાનું 8.73 લાખનું 60 ગ્રામ ફાઈન સોનુ અને નિલેશભાઈ બાલકૃષ્ણભાઈ માંડલિયાનું 29,05,177 રૂપિયાનું 200 ગ્રામ ફાઈન સોનુ પણ હસમુખ લઇ ગયો હોવાનું જાણવા મળતા હસમુખ ઉર્ફે હસુ કુલ ચાર સોની વેપારીનું 7,77,33177 નું સોનુ લઈ ભાગી જતાં એ ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી હાલ પીઆઇ વાઢિયા સહિતે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
ઠગાઈનો આંકડો અર્ધો અબજે પહોંચવાની શક્યતા
સોની બજારમાં આવેલ મારૂતી જવેલર્સ પેઢીનો સંચાલક 7.77 કરોડનું ફુલેકુ ફેરવી ભૂગર્ભમાં ઉતરી જતાં મોટા પ્રમાણમાં વેપારીઓ પોલીસ મથકે પહોંચી આરોપી હસમુખ ઉર્ફે હસુ લોઢિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે, વેપારી વર્ગમાંથી મળતી વિગત મુજબ ઠગાઈનો આંકડો મસમોટો છે. અંદાજીત 10થી વધું વેપારીઓ પાસેથી સોનુ અને રોકડ મળી અંદાજીત 40 કરોડથી વધુની મતા લઈ નાસી છૂટ્યાની પણ વાત સામે આવી રહી છે.




