20થી 30 વર્ષના યુવાનો બ્રેન એટેકની ચપેટમાં, સમયસર સારવારથી બચી શકે છે જીવ
માનસિક તણાવ, જંક ફુડ અને અનિયમિત જીવનશૈલી મુખ્ય કારણો
- Advertisement -
સ્ટ્રોક એટલે કે બ્રેન એટેક હવે માત્ર વૃદ્ધોની બીમારી રહી નથી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ૨૦ થી ૩૦ વર્ષના યુવાનોમાં પણ સ્ટ્રોકના કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. નિષ્ણાતોના મતે, સ્ટ્રોકના માત્ર ૫ થી ૧૦ ટકા દર્દીઓ જ સમયસર હોસ્પિટલ પહોંચી શકે છે, જ્યારે શરૂઆતના કેટલાક કલાકોમાં જ સારવાર મળવાથી જીવ બચાવવાની અને કાયમી વિકલાંગતાથી બચવાની શક્યતા ખૂબ વધી જાય છે. પરેલ સ્થિત ગ્લેનઈગલ્સ હોસ્પિટલના ઈન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ ડો. નિતિન ડાંગેના જણાવ્યા મુજબ, કોવિડ પછી યુવાનોમાં સ્ટ્રોકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલાં જ્યાં મોટાભાગના દર્દીઓ ૪૦ થી ૫૦ વર્ષ કે તેથી વધુ વય જૂથના હતા, ત્યાં હવે ૨૦ થી ૪૦ વર્ષના લોકો પણ તેની ચપેટમાં આવી રહ્યા છે. સ્ટ્રોકના દર્દીને સમયસર સારવાર મળવી ખૂબ જરૂરી છે. જો મગજની નસમાં લોહીનો ગંઠો (ક્લોટ) જામી ગયો હોય, તો કેટલાક દર્દીઓને સાડા ચાર કલાકની અંદર તેને ઓગાળવાની દવા આપી શકાય છે. આ સિવાય વિશેષ ટેકનિકથી ગંઠો બહાર કાઢવાની પ્રક્રિયા ૨૪ કલાક સુધી અસરકારક બની શકે છે. જેજે હોસ્પિટલના હેડ ઓફ યુનિટ પ્રો. ડો. પવન ઓઝાના જણાવ્યા અનુસાર, માનસિક તણાવ, નિષ્ક્રિય જીવનશૈલી, જંક ફૂડ, પ્રોસેસ્ડ ખોરાકનો વધુ પડતો વપરાશ, પૂરતી ઊંઘનો અભાવ અને હાઈ બ્લડ પ્રેશર યુવાનોમાં સ્ટ્રોકના વધતા કેસોના મુખ્ય કારણો છે. તેમણે લોકોને સ્ટ્રોકના લક્ષણો ઓળખી તુરંત હોસ્પિટલ પહોંચવા અપીલ કરી હતી.
બ્લડ પ્રેશર છે સાયલન્ટ કિલર : સ્ટ્રોકના 5% થી ઓછા દર્દીઓ સમયસર હોસ્પિટલ પહોંચે છે, મુંબઈમાં એક વર્ષમાં 1,726 મોત
ગ્લેનઈગલ્સ હોસ્પિટલના ન્યુરોલોજી, સ્ટ્રોક અને ન્યુરોક્રિટિકલ કેરના રિજનલ ડિરેક્ટર ડો. શિરીષ હસ્તકે જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટ્રોકના ૫ ટકાથી પણ ઓછા દર્દીઓ સારવાર માટે નક્કી કરેલા સમયની અંદર હોસ્પિટલ પહોંચી શકે છે, જ્યારે અન્ય દેશોમાં આ આંકડો લગભગ ૧૫ થી ૨૦ ટકા જેટલો છે. હાઈ બીપીને ક્યારેય હળવાશથી લેવું જોઈએ નહીં કારણ કે તેને ‘સાયલન્ટ કિલર’ કહેવામાં આવે છે. ઘણી વખત તેના પ્રારંભિક કોઈ લક્ષણો દેખાતા નથી હોતા. નિયમિતપણે બ્લડ પ્રેશરની તપાસ કરાવવી અને તબીબની સલાહ મુજબ તેને નિયંત્રણમાં રાખવાથી સ્ટ્રોકનું જોખમ ઘણું ઘટાડી શકાય છે. મુંબઈમાં મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૨૪ દરમિયાન માત્ર મુંબઈ શહેરમાં જ સ્ટ્રોકના કારણે ૧,૭૨૬ લોકોના અકાળે મૃત્યુ થયા હતા, જે આ ગંભીર બીમારી સામે સાવચેતી રાખવાની તાતી જરૂરિયાત દર્શાવે છે.




