કોમ્પ્યુટર એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો : છ દિવસમાં બીજી ઘટનાથી અરેરાટી
કુવાડવા રોડ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
- Advertisement -
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં છ દિવસમાં આપઘાતની આજે બીજી ઘટના બનતાં અરેરાટી વ્યાપી ગઇ છે ગત શનિવારે આંધપ્રદેશની 19 વર્ષીય છાત્રાએ હોસ્ટેલના દસમા માળેથી પડતું મૂકી મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી હતી કોમ્પ્યુટર એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતી એ છાત્રાના આપઘાતું કારણ હજુ અકબંધ છે ત્યાં આજે આંધ્રપ્રદેશના જ 19 વર્ષના એક વિદ્યાર્થીએ કોલેજ બિલ્ડીંગના ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે આ છાત્ર પણ આંધ્રપ્રદેશનો જ વતની હતો અને કોમ્પ્યુટર એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ મારવાડી કોલેજના બિલ્ડીંગમાં ચોથા માળેથી સવારે એક વિદ્યાર્થીએ પડતું મુકતાં દેકારો મચી ગયો હતો બનાવની જાણ થતાં સિક્યુરીટી સ્ટાફ અને બીજા કર્મચારીઓ દોડી ગયા હતાં 108ના તબિબે જોઈ તપાસી છાત્રને મૃત જાહેર કર્યો હતો મારવાડી યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ રજીસ્ટ્રાર નિબીશ વર્ગીસ સહિતના પણ પહોંચ્યા હતાં. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સંજયભાઇ કુમારખાણીયા, મેહુલસિંહ સહિતના સ્ટાફે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ ગંદામ હેમંત જીસીતારામ પ્રસાદ ઉ.19 હોવાનું અને તે આંધ્રપ્રદેશના વિજયવાડાનો વતની હોવાનું તેમજ તે મારવાડી કોલેજમાં હોસ્ટેલમાં રહી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે સવારે તે નિત્યક્રમ મુજબ અભ્યાસ કરવા કોલેજ બિલ્ડીંગમાં આવ્યો હતો પરંતુ સાથે બેગ લાવ્યો ન હતો બાદમાં ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે આ બનાવથી મારવાડી કેમ્પસમાં અરેરાટી વ્યાપી ગઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગયા શનીવારે સવારે હોસ્ટેલમાં રહેતી મુળ આંધ્રપ્રદેશની સોૈબર્નીકા વ્યંકટેશ અલ્લા નામની છાત્રાએ હોસ્ટેલમાં 10માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું આ છાત્રા પણ કોમ્પ્યુટર એન્જિનીયરીંગ એઆઇમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને માતા પિતાની એકની એક દિકરી હતી. આપઘાતના બનાવમાં કારણ હજુ સ્પષ્ટ થયું નથી ત્યાં આજે આપઘાતની બીજી એક ઘટનાથી ચકચાર મચી ગઇ છે. પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મારવાડી યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ રજીસ્ટ્રાર નિબીશ વર્ગીસએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થી ભણવામાં ખુબ હોશીયાર હતો, તેને એક પણ બેકલોગ નહોતો. અમે છાત્રોને કોઇપણ તકલીફ હોય તો તુરંત અમારો સંપર્ક કરવા માટે ઇમર્જન્સી નંબર આપેલા છે. આ કિસ્સામાં આપઘાતનું કારણ હવે પોલીસ તપાસ પછી બહાર આવશે.
મારવાડી યુનિવર્સીટી ખાતે પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
- Advertisement -
રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે સપ્તાહમાં બે વિદ્યાર્થીના આપઘાતની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અગાઉ 19 વર્ષીય યુવતી અને આજે 19 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે દરમિયાન ઉપરોક્ત આપઘાતની બે ઘટનાના બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનો વિરોધ કરવા માટે મારવાડી યુનિવર્સીટી ખાતે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓના રોષને પગલે અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રોષે ભરાયેલા છાત્રોએ મારવાડી યુનિવર્સીટીનો ગેઇટ ખોલી અંદર જવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ફરજ પર તૈનાત કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે છાત્રોને અટકાવતા જબરું ઘર્ષણ થયું હતું અને અટકાયત કરી હતી.




