નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી અવની સાવલિયાએ વધાર્યું રાજકોટનું ગૌરવ
રાજકોટની પ્રતિભાશાળી સ્વિમર તથા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જીજાબાઈ મહિલા સંચાલિત સ્વીમીંગ પુલનાં કોચ અવની સાવલિયાએ રાષ્ટ્રીય કક્ષાની નેશનલ માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ-2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કરી રાજકોટનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ બનાવ્યું છે. આ શાનદાર પ્રદર્શનના પગલે અવની સાવલિયાની આગામી દિવસોમાં યોજાનારી એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ-2026 માટે પસંદગી થઈ છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવી અવની સાવલિયાએ પોતાની રમત પ્રતિભાનો પરચો આપ્યો છે. સતત મહેનત, નિયમિત તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જીજાબાઈ મહિલા સંચાલિત સ્વીમીંગ પુલમાં કોચ તરીકે સેવા આપતા હોવાના કારણે તેમની આ સિદ્ધિ અન્ય મહિલા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. અવની સાવલિયાની આ નોંધપાત્ર સિદ્ધિને બિરદાવવા રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાપક્ષના નેતા ડૉ. હિરેન ખીમાણીયા તથા દંડક સંજયસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ અવની સાવલિયાને અભિનંદન પાઠવી તેમની આગામી રમતગમતની સફર માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. અવની સાવલિયાની સફળતા પાછળ તેમના કોચ બેંકિમભાઇ જોશીના માર્ગદર્શન અને સતત તાલીમનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. યોગ્ય માર્ગદર્શન, સઘન પ્રેક્ટિસ અને સ્પર્ધાત્મક તૈયારીના પરિણામે અવનીએ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવામાં સફળતા હાંસલ કરી છે. રાષ્ટ્રીય કક્ષાની સફળતા બાદ હવે અવની સાવલિયાની નજર આંતરરાષ્ટ્રીય મંચ પર છે. આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અવની વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજકોટ અને ગુજરાતનું નામ વિશ્વસ્તરે રોશન કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.




