5000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા : ઓડિશામાં ભારે વરસાદ, અનેક પુલ તણાયા
પશ્ચિમ બંગાળમાં પણ એલર્ટ અપાયું
- Advertisement -
બંગાળની ખાડીમાંથી સર્જાયેલું અર્નબ ચક્રવાત ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મોડી રાત્રે ૧૧થી ૧ વાગ્યાની વચ્ચે ટકરાયું. તેના કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં આશરે ૫ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ જિલ્લાઓમાં ૪થી વધુ પુલ તણાયા અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિંગપટ્ટનમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાયો. વિજયવાડામાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. શહેરની અનેક શાળાઓમાં સતત બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ છેલ્લા ૬ કલાકમાં ૩ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાર્જિલિંગ અને કાલિમ્પોંગમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના સાઉથ २४ પરગણામાં લો પ્રેશરની અસરને કારણે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. યુપીમાં ૩ દિવસ બાદ ફરી ચોમાસાના વરસાદનો સિલસિલો શરૂ થયો છે. ગુરુવારે લખનઉ, ગોંડા, મહારાજગંજ, ઉન્નાવ અને પ્રયાગરાજમાં વરસાદ થયો. ગોંડામાં સવારે ૪ વાગ્યાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, ૨ કલાકમાં જિલ્લામાં ૧૦ એમએમ વરસાદ નોંધાયો છે. વહીવટીતંત્રે ધોરણ ૧થી ૮ સુધીની શાળાઓમાં રજા જાહેર કરી છે.




